February 4, 2025

હર્ષ સંઘવીના હસ્તે મહાકુંભની વોલ્વો બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું

અમિત રૂપાપરા, સુરત: સમગ્ર દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા છે મહાકુંભની. મહાકુંભમા સ્નાન કરવા માટે દેશભરના લોકો પ્રયાગરાજમાં ઉમટી પડે છે. ત્યારે ગુજરાતના લોકો પણ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તેવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે આજે સુરત સેન્ટ્રલ બસ ટર્મિનલ ખાતેથી ગૃહરાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહાકુંભની વોલ્વો બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

હર્ષ સંઘવીએ મુસાફરોની મુલાકાત કરી
સુરતથી મહાકુંભ જઈ રહેલા મુસાફરોનું ઢોલ નગારાના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌપ્રથમ બસમાં મુસાફરોની મુલાકાત કરી હતી અને તેમને સાવચેતીના સૂચનો આપ્યા હતા. ત્યારબાદ બસની પૂજા કરીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી અને તેમને જણાવ્યું હતું કે, પહેલા દિવસે ઓછા મુસાફરો હોવાના કારણે એક જ બસ દોડાવવામાં આવી છે પરંતુ પ્રતિદિન સુરતથી બે બસ સુરતથી પ્રયાગરાજ સુધી દોડાવવામાં આવશે. તો મુસાફરોએ પણ સરકારની આ સુવિધા બદલ રાજ્ય સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.

રાત્રી રોકાણ વ્યવસ્થા તમારા માટે કરવામાં આવી
હર્ષ સંઘવીએ લોકોને વિનંતી કરી હતી કે, પ્રયાગરાજ મહાકુંભમાં તમે સૌ લોકો તમારી આસ્થા પૂરી કરી શકો એટલા માટે આ વ્યવસ્થા કરી છે. ત્યાં અનેક દિવસો એવા હોય છે કે ભીડ વધારે હોય છે. મારી સૌને વિનંતી છે કે પ્રસાસન દ્વારા જે માહિતી આપવામાં આવે તે માહિતીનું સંપૂર્ણ રીતે પાલન આપણે કરવું જોઈએ. કોઈ પણ પ્રકારની બીજી તકલીફ પડે નહીં એટલે રસ્તામાં જમવાનું અને રાત્રી રોકાણ વ્યવસ્થા તમારા માટે કરવામાં આવી છે. તમને ત્યાં કોઈ પણ તકલીફ હોય તો તમે ત્યાં પ્રશાસનને કહી શકો છો પરંતુ ભીડભાળમાં તમેં કોઈ વસ્તુ લેવા આગળ જતા રહ્યા અને કલાક બે કલાક જો તમે આમતેમ થઈ ગયા તો બસ તમારી રાહ જોશે પરંતુ ભાગા દોડીમાં ન આવવું. આપણે સૌ સમજીએ છીએ કે 10 કિલોમીટર સુધી તમારે ચાલવું પડશે અને અમે આ ડિસ્ટન્સ ઓછું કરવા માટે યુપી સરકાર પાસે અમે માગણી કરી છે અને બસ જે જગ્યા પર સ્ટોપ થાય ત્યાંથી થોડી ઘણી ચાલવાની માનસિકતા સાથે તમે આગળ વધજો.

મોટાભાગની બસો બુક થઈ ગઈ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતના સૌ ભાવી ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડુબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે. પહેલા દરરોજ એક બસ ચાલુ કરવામાં આવી હતી પરંતુ લોકોનો ખૂબ લોડ હતો અને તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી 5 બસો શરૂ કરવામાં આવી છે. કાલ અને પરમ દિવસથી મોટાભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકીની વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકીએ છીએ.

આ પણ વાંચો:કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન, વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા

સુરતથી રોજ 2 બસ
આજે આપણે જોયું કે અનેક વડીલોની મનોકામના હોય છે અને તેઓ તેમની મનોકામના પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકારે દાદાની આ સરકારે આ બધા વડીલોની આસ્થા મનોકામના પૂરી થઈ શકે તે માટે અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે. હજુ પણ જરૂર પડે તો વધુ વ્યવસ્થાઓ કરવામાં આવશે. સુરતથી રોજ બે બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પહેલો દિવસ હતો તેમાં જેટલી સંખ્યા હતી તેના કારણે બીજી બસ ચાલુ નથી કરી પરંતુ બુકિંગ આવશે અને લોકોને જરૂરિયાત હશે તો એટલી બસો જરૂરથી ચાલુ કરવામાં આવશે મુખ્યમંત્રીનો નિર્દેશ છે કે રાજ્યના સૌ નાગરિકોની મનોકામના પૂર્ણ થાય, સૌ વડીલો પોત પોતાના પરિવારજનો જોડે આ મહાકુંભની આસ્થામાં ડુબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ GSRTC વિભાગ દ્વારા નિરંતર રૂપે કરવામાં આવે.