January 17, 2025

મહાકુંભમાં સામેલ કિન્નર અખાડાનું રહસ્ય, ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી માન્યતા

Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થયો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં કરોડો લોકો તેમાં સ્નાન કરી ચૂક્યા છે. આ ઉપરાંત અહીં આવેલા ભક્તો પ્રયાગરાજમાં સાધુ-સંતોની મુલાકાત પણ લે છે.

મહાકુંભમાં કિન્નર અખાડો આકર્ષણનું કેન્દ્ર છે. ભક્તો કિન્નરો પાસે જઈ રહ્યા છે અને તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે. એવું કહેવાય છે કે, કિન્નર અખાડામાં સામેલ કિન્નરો 2019માં પ્રયાગરાજમાં આયોજિત અર્ધ કુંભ મેળામાં પણ ભાગ લીધો હતો.

કિન્નર અખાડાના મહંતે જણાવયું હતું, ‘આ મહાકુંભમાં આપણો કિન્નર સમુદાય-કિન્નર અખાડો સનાતન ધર્મ સાથે એક થયો છે. અમારા કિન્નર અખાડાની એક ખાસ વિશેષતા એ છે કે તે સનાતન ધર્મનું પાલન કરે છે.’ તેમણે પ્રયાગરાજમાં લોકો માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, જે સમાજે આપણને નકારી કાઢ્યા હતા તે આજે અહીં આપણી પાસેથી આશીર્વાદ લઈ રહ્યા છે.

કિન્નર અખાડાના બીજા વડાએ કહ્યું હતું કે, ‘જો આપણે આ કુંભમાં કિન્નર અખાડા વિશે વાત કરીએ તો તે સદીઓથી સનાતન ધર્મ સાથે સંકળાયેલો છે. દંતકથાની વાત કરીએ તો, જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃત માટે યુદ્ધ થયું, ત્યારે પણ ભગવાન વિષ્ણુને મોહિનીનું રૂપ લેવું પડ્યું અને આ જ મોહિની આજે અહીં હાજર છે.’

એક કિન્નર સાધ્વીએ કહ્યું હતુ કે, ‘આપણને યોગ્ય જન્મ મળ્યો છે, આપણે ભાગ્યશાળી છીએ. હવે આપણો અખાડો આપણો છે, જેઓ સંત બનવા માગતા હતા અને સંન્યાસ લેવા માગતા હતા, તેઓ સંન્યાસ અખાડામાં જોડાયા છે.’