January 31, 2025

મહાકુંભમાં અત્યાર સુધી 28 કરોડ લોકોએ ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

Mahakumbh 2025: 13 જાન્યુઆરીથી ચાલુ થયેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. મૌની અમાસના કારણે સંગમમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. તેના લીધે નાસભાગ મચી હતી. પરંતુ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ ઓછો થયો નથી. મોટા પ્રમાણમાં લોકો હજુ પણ સંગમ ઘાટ તરફ આગળ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 28 કરોડ લોકોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું.

આજે સવારે 90 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. કુંભ મેળાના ઇતિહાસમાં કોઈ એક દિવસે સ્નાન કરનારા ભક્તોની આ સૌથી મોટી સંખ્યા હોવાનું માનવામાં આવી રહી છે. અગાઉ મકરસંક્રાંતિના દિવસે 3 કરોડથી વધુ લોકોએ સંગમમાં સ્નાન કર્યું હતું. મૌની અમાસના એક દિવસ પહેલા 28 જાન્યુઆરીએ લગભગ 5 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.

મળતી માહિતી મુજબ, મૌની અમાસના પહેલા મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. હવે તંત્ર પહેલાં કરતાં વધુ કડક બન્યું છે. હવે સમગ્ર મેળા વિસ્તારને નો-વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. VVIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે. મેળામાં વાહન વ્યવહારના માર્ગોને એક તરફી બનાવવામાં આવ્યા છે. પ્રયાગરાજને અડીને આવેલા જિલ્લાઓમાંથી આવતા વાહનોને જિલ્લા સરહદ પર રોકવામાં આવી રહ્યા છે. આ પ્રતિબંધો 4 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

સીએમ યોગીએ અપીલ કરી છે કે, શ્રદ્ધાળુઓએ કોઈપણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. તમારા નજીકનાં ગંગાના ઘાટ પર સ્નાન કરો. સંગમ ઘાટ તરફ જવાનો પ્રયાસ કરશો નહીં. મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓને વહીવટીતંત્રના નિયમોનું પાલન કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા પણ અપીલ કરી છે.