January 23, 2025

ભૂપેશ બઘેલની મુસીબત વધી, પૂર્વ CM સહિત 21 લોકો સામે નોંધાયો કેસ

Mahadev App: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ વિરુદ્ધ મહાદેવ એપ કેસમાં રાયપુરની આર્થિક અપરાધ શાખાએ બઘેલ અને અન્ય લોકો સામે FIR નોંધી છે. આઈપીસીની કલમ 120B, 34, 406, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ન્યુઝ એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેશ બઘેલ અને અન્ય 21 લોકો વિરુદ્ધ 4 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા માટે ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે.

પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ વિરુદ્ધ પોલીસ એફઆઈઆરમાં છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ભંગ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ સંબંધિત કલમો અને કલમ 7 અને 11 હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા છે.

મહાદેવ બેટિંગ એપ શું છે?
મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટો રમવા માટે બનાવેલી એક એપ છે. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ જેવી રમતોમાં પણ ગેરકાયદે સટ્ટો રમાડવામાં આવતો હતો. ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા આ એપનું નેટવર્ક ઝડપથી ફેલાઈ ગયું અને સૌથી વધુ ખાતા છત્તીસગઢમાં ખોલવામાં આવ્યા. આ એપ દ્વારા થતી છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી. વાસ્તવમાં મહાદેવ સટ્ટાબાજીની એપ ઘણી શાખાઓમાંથી ચલાવવામાં આવતી હતી.જેમાં સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દરેક શાખાને ફ્રેન્ચાઈઝી તરીકે વેચતા હતા. યુઝર્સને શરૂઆતમાં જ નફો મળે છે અને પછી નુકસાન થાય છે. ફાયદાના 80% નફો બંને પોતાની પાસે રાખતા હતા, સટ્ટાબાજીની આ એપ રેકેટ એક એવી મશીનની જેમ કામ કરતી હતી જેમં અલ્ગોરિધમ પહેલેથી નક્કી કરે છે પૈસા લગાવેલ ગ્રાહકોમાંથી 30% ગ્રાહકો જ પૈસા જીતે.