‘માધવપુરનો માંડવો ‘ને જાદવકુળની જાન…’ કાળિયા ઠાકરના રુક્ષ્મણીજી સાથે ભવ્ય વિવાહ; CM હાજર રહ્યાં

સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદરઃ ચૈત્ર સુદ બારસ એટલે ભગવાન શ્રીકૃષ્ણના મધુવનના ચોરી માયરામાં રૂક્ષ્મણીજી સાથે વિવાહનો દિવસ. દરવર્ષે માધવપુરમાં જ્યાં ભગવાનના વિવાહ થયા હતા, ત્યાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે અને વિધિવત્ રીતે ભગવાનને પરણાવીને લોકોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે મેળામાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો આવ્યા હતા.

માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ રામનવમીથી થયો હતો. ત્રણ દિવસ સુધી વર્ણાંગી નિકળ્યાં બાદ ચૈત્રસુદ બારસના દિવસે ભગવાનનાં લગ્ન થયાં હતાં. સવારના સમયે પરંપરા મુજબ કડછના ગ્રામજનો વાજતેગાજતે ડી.જેના તાલ સાથે રૂક્ષ્મણીજીનું ભવ્ય મામેરૂં લઈને પહોંચે છે. ત્યારબાદ માધવરાયજી મંદિરે મામેરિયાંનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજા પણ મામેરામાં જોડાયા હતા.

સાંજનાં 4 કલાકે માધવરાયના નીજ મંદિરથી ઠાકોરજીની ભવ્ય જાન કાઢવામાં આવી હતી. ઠાકોરજી મંદિરની બહાર નિકળ્યાં ત્યારે પોલીસ જવાનોએ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ત્યારબાદ ઠાકોરજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. માધવરાય મંદિરેથી ઢોલ-શરણાઈ સાથેની ઠાકોરજીની જાન માધવપુરમાં શેરીઓમાંથી પસાર થતાં દાંડીયા-રાસની રમઝટ બોલી હતી અને જય માધવનાં નાદથી વાતાવરણ ગુંજી ઉઠી ઉઠ્યું હતું.

મુખ્યમંત્રી અને કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજા ભગવાનની જાનમાં જોડાયા હતા. ભગવાન માધવરાયના દર્શન કર્યા હતા. માધવપુરના ઝાંપે જાન પહોંચ્યા બાદ પરંપરા મુજબ ભગવાનનો રથ દોડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઠાકોરજીની જાન ચોરીમારીયા ખાતે પહોંચી હતી. જ્યાં ઠાકોરજીનું સામૈયું કરવામાં આવ્યું હતું. પછી વિધિવત્ રીતે ભગવાનનાં લગ્ન શરૂ કરવામાં આવ્યા હતા.

રૂક્ષ્મણી મંદિરેથી રૂક્ષ્મણીજીને પાલખીમાં બિરાજમાન કરી અને લગ્નમંડપ સુધી લાવવામાં આવ્યાં હતાં. કન્યાપક્ષે બલદેવભાઈ રાજ્યગુરૂનો પરિવાર સહભાગી બન્યો હતો. આ પરિવારે કન્યાદાન આપ્યું હતું. ભૂદેવોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવ સંપન્ન થયા હતા. મધુવન જંગલ ભગવાનનાં રૂડા લગ્ન ગીતોથી ગુંજી ઉઠ્યું હતું અને કંસાર પણ પીરસાયો હતો. ભગવાનના લગ્નોત્સવને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

ભગવાનના લગ્ન શરૂ થતાં માધવપુર ઉપરાંત આસપાસના વિસ્તારનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભગવાનના લગ્નનો ઉત્સાહ લોકોમાં સમાતો નહોતો. લગ્નમાં ઉપસ્થિત રહી અને શ્રદ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન મધવરાયે રાતવાસો મધુવનમાં કર્યો હતો અને ત્યારબાદ તેરસના દિવસે ભગવાન યુગલ સ્વરૂપમાં માધવપુર પહોંચશે. ત્યાં માધવપુરવાસીઓ જાનનું સ્વાગત કરશે. ત્યારબાદ રાસ-ગરબા અને અબીલ-ગુલાલની છોડો ઉડાડી વાજતેગાજતે ભગવાનને નીજ મંદિરમાં બિરાજમાન કરશે.