May 20, 2024

નડિયાદના સંતરામ મંદિરમાં માધ પૂનમનો મેળો શરૂ

ખેડા: જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે માધ પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે 196મો સમાધિ મહોત્સવ યોજાવનો છે ત્યારે પ્રથમ વખત મંદિર દ્વારા પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવશે.

ખેડાના શ્રી સંતરામ મહારાજના સમાધિ મહોત્સવ નિમિત્તે દર વર્ષે માધ મેળો યોજાતા હોય છે. ત્યારે આ વર્ષે પણ નડિયાદના સંતરામ મંદિરમાં માધ પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે 196માં સમાધિ મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. જેના નિમિત્તે આ વર્ષે પ્રથમવાર મંદિર દ્વારા પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર દ્વારા પાદુકા પૂજન માટે 1500 જોડ પાદુકા તૈયાર કરાવવામાં આવી છે.

શહેરના એક મિસ્ત્રી દ્વારા બાર મણ લાકડામાંથી 1500 જોડ પાદુકાઓ તૈયાર કરવામાં આવી છે. ત્યારે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પાદુકા પૂજનનો લાભ લે તે માટે સંતરામ મંદિર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

મહત્વની વાત છે કે છેલ્લા 195 વર્ષથી સંતરામ મંદિર ખાતે સમાધિ મહોત્સવની ઉજવણી થતી આવી છે. સાંજના સમયે ભવ્ય સાકર વારસાનો કાર્યક્રમ પણ યોજાતો હોય છે. ત્યારે આ વર્ષે ચૌદસના દિવસે સવારે સાત વાગે પાદુકા પૂજનનો કાર્યક્રમ મંદિર પટાંગણમાં યોજાનાર છે.