દુબઈમાં નોકરીની લાલચ અને પછી શારીરિક શોષણ, આખરે મહિલાએ મોત વ્હાલું કર્યું
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના સરખેજમાં પરિણીત યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. યુવતીને દુબઇમાં નોકરીની લાલચ આપીને પૈસા નહિ ચૂકવીને તેની સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. મહિલાએ કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. સરખેજ પોલીસે આપઘાત કરવા દુષ્પ્રેરણા બદલ 6 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
“મારી મોતના જીમ્મેદાર અખ્તર અને એનો બાપ અબ્દુલ ગફાર, એનો ભાઈ ગુલાજમીલ, એનો છોકરો ફૈઝાન અને એની બયરી બહીસતુન આ બધા મારી મોતના જીમ્મેદાર છે. મેં જોબ માટે દુબઇ જવા ફોન પર વાત કરી પછી હું મુંબઇમાં અખ્તરને મળી અને દુબઇ જવાના વિઝાના પૈસા એના હાથમાં આપ્યા. 80 હજાર વિઝાના આપ્યા. 23 મહિના ગયા પછી મારો પાસપોર્ટ લઈ લીધો. કામ મને કોઈ આપ્યું નહીં અને મારા જોડે મગજમારી કરતો. પૈસા માટે મેં મારા દાગીના ત્યાં વેચી નાખ્યાં. મારી જોડે એણે બધી રીતે મારી જૂડીને સંબંધ બનાવ્યા.” આ શબ્દો પરિણીત યુવતીના છે. આ યુવતીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો. ઘટના કઈ એવી છે સરખેજમાં રહેતી પરિણીત યુવતીએ 16 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે ઝેરી દેવા ખાઈને આપઘાત કરી લીધો હતો. મહિલા જ્યારે દુબઇમાં નોકરી કરવા ગઈ હતી ત્યારે ત્યાં તેના શેઠ અને તેના પરિવારે મહિલાને નોકરીનું મહેનતાણું આપ્યુ નહિ.અને મહિલાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. મહિલા સતત આરોપીઓના દબાણ માં રહેતી હતી.દુબઇથી અમદાવાદ આવ્યા બાદ પણ આરોપો ત્રાસ આપતા હતા.જેથી મહિલાએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ મહિલાને નોકરીની લાલચ આપીને અઢી વર્ષ પહેલાં દુબઇ બોલાવી હતી. અને યુવતીનો પાસપોર્ટ લઈ લીધો હતો. એટલું જ નહીં 23 મહિના પછી યુવતીને કામ આપવાનું બંધ કરી દીધું.અને પગારના પૈસા પણ નહતા આપતા. યુવતીને દુબઈ માં વેચી નાખવાનું કહીને યુવતીને બંધક બનાવીને રાખી હતી.તેના મોબાઈલ પણ લઈ લીધા હતા. યુવતીના પતિએ 17 લાખ રૂપિયા દુબઇ આરોપીઓને મોકલાવતા તેનો છુટકારો થયો છે. છેલ્લા 8 માસથી યુવતી અમદાવાદ માં હતી.તેમ છતાં આરોપીઓ પૈસાની માંગણી કરીને અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપતા હતા.જેથી યુવતીએ કંટાળીને આપઘાત કરી લીધો હતો.સરખેજ પોલીસે દુબઇમાં રહેતા છ શખસો વિરૂદ્ધમાં આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરિત કરવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સરખેજ પોલીસે દુબઈના અખ્તર તેના પિતા અબ્દુલ ગફાર, ભાઈ ગુલાજમીલ, અને તેના પુત્ર ફૈઝાન તેમજ પુત્રવધુ બહીસતુન સહિત 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી. આ આરોપીની ધરપકડ માટે LOCની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.