વિરાટ કોહલીના કારણે જ ક્રિકેટને 2028 ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું?
Niccolo Campriani On Virat Kohli: પેરિસ ઓલિમ્પિક્સ 2024નો અંત આવી ગયો છે. હવે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 ની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. મહત્વની વાત તો એ છે કે ક્રિકેટને લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું છે. ઓલિમ્પિક ડાયરેક્ટર નિકોલો કેમ્પ્રીઆનીએ લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની વાત કરી હતી. નિકોલો કેમ્પરિયાનીએ કહ્યું કે લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા પાછળનું મુખ્ય કારણ વિરાટ કોહલીની લોકપ્રિયતા છે. વિરાટ કોહલી ગ્લોબલ આઇકોન તેમણે ગણાવ્યા હતા.
ઓલિમ્પિક ડિરેક્ટર નિકોલો કેમ્પ્રીઆનીએ શું કહ્યું?
ઓલિમ્પિક ડાયરેક્ટર નિકોલો કેમ્પ્રીઆનીએ કહ્યું કે વિશ્વભરમાં લગભગ 2.5 અબજ લોકો ક્રિકેટને પસંદ કરી રહ્યા છે. તેમાં પણ ભારતના લોકોને ક્રિકેટ વધારે પસંદ છે. અમે વિશ્વની બીજી સૌથી લોકપ્રિય રમતને ઓલિમ્પિકમાં આવકારવા માટે રોમાંચિત છીએ. તેણે કહ્યું કે અમે અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. તેમણે વિરાટ કોહલીની વાત કરતા કહ્યું કે, ‘તમે વિરાટ કોહલીને જ જોઈ લો… સોશિયલ મીડિયા પર વિશ્વનો ત્રીજો સૌથી વધુ ફોલો કરવામાં આવતો એથ્લેટ છે. મોટા ભાગના લોકો તેને ફોલો કરે છે અને તેને પસંદ કરે છે. વિરાટ કોહલીને લેબ્રોન જેમ્સ, ટોમ બ્રેડી અને ટાઈગર વૂડ્સ કરતાં વધુ લોકો ફોલો કરે છે.
આ પણ વાંચો: રંગારંગ કાર્યક્રમ સાથે પેરિસ ઓલિમ્પિકની પૂર્ણાહુતિ, 40 ગોલ્ડ સાથે US ફર્સ્ટ
ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી
ઘણા લોકોને એવું થતું હશે કે આ પહેલી વાર એવું બનશે કે ઓલિમ્પિકમાં ક્રિકેટ આવશે. પરંતુ એવું નથી. આ પહેલા 1900માં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાઈ હતી. પરંતુ આ ઓલિમ્પિકમાં ક્રિકેટની માત્ર એક જ મેચ રમાઈ હતી. જેના કારણે 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી કરી હતી. ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસીના સમાચારથી તમામ ક્રિકેટ ચાહકો ભારે ખુશ જોવા મળી રહ્યા છે. જોકે પેરિસ ઓલિમ્પિક સમાપ્ત થઈ ગયું છે. હવે વિશ્વની નજર લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 પર છે. આ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.