January 19, 2025

અમદાવાદ ખાતે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથની ચંદનયાત્રા યોજાઇ

ફાઇલ ફોટો

ટ્વિંકલ જાની, અમદાવાદ: અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરે આજે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથની રંગેચંગે ચંદનયાત્રા યોજાઇ હતી. આ વર્ષે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. અક્ષયતૃતિયાના શુભ દિવસે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી રથના સમારકામની શરૂઆત કરવામાં આવી હતી.

આ વર્ષે અષાઢી બીજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા ધામધૂમથી નીકળશે ત્યારે, અક્ષયતૃતિયાના શુભ મુહૂર્તે ચંદનયાત્રા યોજાઈ હતી. ચંદનયાત્રાને જગન્નાથ યાત્રાનું પ્રથમ ચરણ ગણવામાં આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રાના ત્રણેય રથોનું પુજન કરવામાં આવે છે. ત્યારબાદ, રથનું સમારકામ અને રંગરોગાનની કામગીરી શરૂ થાય છે. જગન્નાથ મંદિર ખાતે આજે અખાત્રીજના મુહૂર્ત પર મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથનું પૂજન કરાવ્યું હતું. આ પૂજન ચંદનથી કરવામાં આવતું હોવાથી તેને ચંદનયાત્રા કહેવામાં આવે છે. આજથી ખલાસ સમુદાયના લોકો રથનું સમારકામ હાથ ધરશે. ચંદનયાત્રામાં ભગવાન વિષ્વકર્મા પાસેથી રથના સમારકામ માટે મંજૂરી લેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષની જેમ આ વર્ષે રથયાત્રા નવા રથમાં યોજાશે. તો, રથની કામગીરી ખાસ પુરીના કલાકારો દ્વારા બનાવવામાં આવી છે નવા રથમાં વલસાડના ધરમપુરમા સાગનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જૂનાં રથને જાળવવા મંદિરમાં મ્યુઝિયમ બનાવી તેમાં મૂકવામાં આવ્યો છે.

આ પ્રસંગે મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આજરોજ અખાત્રીજના દિવસે ચંદનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તો આ પૂજાવિધીમાં હાથી, ઘોડાએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. રથયાત્રામાં ગજરાજનું ખાસ મહત્વ રહેલું છે. ભગવાન જગન્નાથની ચંદનયાત્રામાં ખાસ અમદાવાદ શહેરના મેયર સહિત મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા ઉપસ્થિત રહ્યા હતા. અને સૌ નગરજનો પણ જોડાયા હતા.