December 22, 2024

લંડનમાં ભારતીય યુવકે પત્નીની હત્યા કરી, કોર્ટે સંભળાવી આજીવન કારાવાસની સજા

લંડનઃ એક ભારતીય યુવકને તેની પત્નીની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેની સજાનો સમય ઓછામાં ઓછા 15 વર્ષનો હશે. મૃતકની માતાએ જણાવ્યું કે, તેની પુત્રીની સાથે તેની પણ હત્યા કરવામાં આવી છે.

29 ઓક્ટોબર, 2023ના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે 4:15 વાગ્યે સાહિલ શર્માએ (24) ઇમરજન્સી નંબર ડાયલ કર્યો હતો. તેણે પોલીસ ઓપરેટરને કહ્યું કે, તેણે તેની પત્ની મહેક શર્મા (19)ની હત્યા કરી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સાહિલ ત્યાં બેઠો હતો અને મહેક લોહીથી લથબથ પડી હતી. સ્થળ પરથી સાહિલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કારણ કે તેને માથામાં સામાન્ય ઈજા થઈ હતી. મેડીકલ ટીમે મહેકને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડા સમય બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મહેકના ગળા પર છરી વડે હુમલાના ઘણા નિશાન હતા.

31 ઓક્ટોબર 2023ના રોજ આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહેકના મોતનું કારણ ગળા પર ચાકુથી હુમલો હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી સાહિલ પર તેની પત્નીની હત્યાનો કેસ ચલાવવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટમાં થઈ હતી. સુનાવણી દરમિયાન, કોર્ટે મહેકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે, સાહિલે તેની એ જ ઘરમાં હત્યા કરી હતી જ્યાં તે સૌથી વધુ સુરક્ષિત હોવી જોઈતી હતી. તે જ વ્યક્તિએ તેને મારી નાંખી, જે વ્યક્તિએ તેને પ્રેમ કરવો જોઈએ. આ ઘટના અત્યંત નિંદનીય અને દુઃખદ છે.

મેટ્રોપોલિટન પોલીસના સ્પેશ્યાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર (DI) લૌરા સેમ્પલે કહ્યું કે, તેની પત્નીની હત્યા કરીને સાહિલ શર્માએ પરિવારની વહાલી દીકરીને છીનવી લીધી છે. તેણે કહ્યું કે, ‘જો કે હું જાણું છું કે મહેક શર્માને કોઈપણ પાછું લાવી શકશે નહીં, મને આશા છે કે એકવાર સાહિલને સજા થશે ત્યારે મહેકના પ્રિયજનોને ન્યાય મળશે.’

મહેકની માતાએ જણાવ્યું હતું કે, ‘તેની દીકરીની ક્રૂર હત્યા પછી તે ભાંગી પડી છે. તેમણે કહ્યું કે, ‘મહેક પાછી આવી જાય તેવી હું મનોમન આશા રાખું છું, પણ તે અશક્ય છે. કોઈપણ પ્રાર્થના, પૈસો કે સમર્થન તેને મારી પાસે લાવી શકશે નહીં. હું ભાંગી પડી છું. સાહિલે માત્ર મહેકની હત્યા જ નથી કરી, તેણે મને પર મારી નાંખી છે.’