December 28, 2024

રાહુલ ગાંધીએ ઓમ બિરલા પર લગાવ્યો આરોપ, સ્પીકરે કર્યો પલટવાર

Lok Sabha Session: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં સ્પીકર ઓમ બિરલા પર તીખી ટિપ્પણી કરી હતી. પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે સ્પીકર ઓમ બિરલા તેમને મળ્યા ત્યારે તેઓ સીધા ઉભા રહ્યા, હાથ લંબાવ્યો અને હાથ મિલાવ્યા. પરંતુ જ્યારે ‘સ્પીકર સર’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તેમણે નમીને તેમની સાથે હાથ મિલાવ્યા હતા.

રાહુલ ગાંધીની આ તીખી ટિપ્પણી બાદ ગૃહમાં હંગામો મચી ગયો. વિપક્ષી સાંસદોએ રાહુલ ગાંધીનું સમર્થન કર્યું. લોકસભા સ્પીકરે રાહુલ ગાંધીની ટીપ્પણીનો જવાબ પણ આપ્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહના નેતા છે. મારી સંસ્કૃતિ કહે છે કે જે આપણાથી મોટા છે તેમને નમન કરો અને બરાબર ઉંમરના લોકો સાથે બરાબર વ્યવહાર કરો.

લોકસભામાં શું કહ્યું રાહુલ ગાંધીએ?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘ગૃહની ખુરસી પર બે લોકો બેઠા છે, એક સ્પીકર અને એક ઓમ બિરલા. જ્યારે પીએમ મોદી અને હું તમારી જોડે હાથ મિલાવવા માટે આવ્યા તો મી કઇંક નોટિસ કર્યું. જ્યારે હું તમને હાથ મિલાવવા આવ્યો ત્યારે તમે ટટ્ટાર ઊભા રહીને હાથ મિલાવ્યો. પરંતુ જ્યારે, પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો ત્યારે તમે નમીને હાથ મિલાવ્યો.

રાહુલ ગાંધીની ટિપ્પણી પર શું કહ્યું સ્પીકરે?
રાહુલ ગાંધીની ટિપ્પણીના જવાબમાં, લોકસભા અધ્યક્ષે કહ્યું, “મારી સંસ્કૃતિ, મૂલ્યો આ કહે છે – અંગત જીવનમાં, જાહેર જીવનમાં અને આ બેઠક પર પણ, જેઓ આપણાથી મોટા છે તેમને નમન કરીને અને જો જરૂરી હોય તો તેમના ચરણ સ્પર્શ કરવો એ હું શીખ્યો છું. અને તેનું જ પાલન કરી રહ્યો છું.