December 22, 2024

ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી

વિવેક ચુડાસમા, અમદાવાદઃ ગુજરાતનો રાજકીય માહોલ હાલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. એકતરફ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી તરફ, રાજકોટ લોકસભા બેઠકને લઈને વિવાદ ઉગ્ર બની રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રોષનો માહોલ ફેલાયો છે. જેને લઈને ક્ષત્રિયો હવે એક જ માગ કરી રહ્યા છે કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
પરશોત્તમ રૂપાલાએ રૂખી સમાજની એક જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે, ‘ક્ષત્રિયોએ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહાર કર્યા.’ત્યારબાદ ખૂબ ઝડપથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ક્ષત્રિય સમાજે આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. આ સાથે જ તેમણે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ભાજપે આ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો નહોતો. આ નિવેદન આપ્યાની 30 મિનિટમાં જ રૂપાલાનો માફી માગતો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મિટિંગમાં પણ માફી માગી હતી. છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહોતો. તેમની એક જ માગ રહી છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.

પહેલીવાર રજપૂતાણીઓ મેદાનમાં આવી
કદાચ ગુજરાતના ઇતિહાસની આ પહેલી ઘટના છે કે, જેમાં આટલી મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ મેદાનમાં ઉતરી છે. શરૂઆતમાં ક્ષત્રિય મહિલા આગેવાનો મેદાનમાં આવ્યા હતા અને રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માગ કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે વિરોધનો વંટોળ ફરી વળ્યો અને સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ આ લડતમાં જોડાયો. સમાજના વડીલો, આગેવાનો અને ખાસ કરીને ક્ષત્રાણીયોઓ મેદાનમાં ઉતરી આવી અને આંદોલન ઉગ્ર બન્યું. આ આંદોલન એટલું ઉગ્ર બન્યું કે, નિવેદન આપ્યાના સાતમા દિવસે પાંચ ક્ષત્રાણીયોએ જૌહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ક્ષત્રિય મહિલાઓએ માગ કરી હતી કે, રૂપલાની ઉમેદવારી પાછી ન ખેંચાય તો ભાજપના કાર્યલય કમલમમાં જૌહર કરીશું.

BJP-ક્ષત્રિયો વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ
ત્યારે બીજા દિવસે મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં સમાજના વડીલો-ભાઈઓ-આગેવાનોએ ક્ષત્રાણીયોને જૌહર ન કરવાની વાત કહી સમજાવવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, તમારા સન્માનની લડાઈ માટે તમારા ભાઈઓ સતત લડતા રહેશે. પરંતુ તમે જૌહર ના કરશો. ત્યારબાદ ત્રીજી એપ્રિલના દિવસે અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની 50 વ્યક્તિઓની કોર કમિટીની બેઠક યોજવામાં આવે છે. આ બેઠકમાં જેટલી સંખ્યામાં રજપૂત પુરુષો હાજર છે, સામે તેટલી જ ક્ષત્રાણીયો પણ હાજર રહે છે. આ બેઠકમાં નક્કી કરવામાં આવે છે કે, રૂપાલા મામલે સ્હેજ પણ કૂણાં પડવાની જરૂર નથી.

ક્ષત્રિય BJP નેતાઓ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વચ્ચેની બેઠક નિષ્ફળ થઈ હતી.

ત્યારબાદ તે જ દિવસે બપોરે અઢી વાગતા ક્ષત્રિય સમાજના અગ્રણી નેતાઓ આઇકે જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, બળવંતસિંહ રાજપૂત, ધર્મેન્દ્રસિંહ જાડેજા, માંધાતાસિંહ જાડેજા સહિતના નેતાઓ સાથે ક્ષત્રિય સમાજની બેઠક યોજવામાં આવે છે. ત્યારબાદ ભાજપના ક્ષત્રિય નેતાઓ અને સમાજના અગ્રણીઓ અલગ અલગ સમયે પ્રેસ કોન્ફરન્સ યોજવાની જાહેરાત કરે છે. તેના પરથી ખ્યાલ આવી જાય છે કે, બેઠક નિષ્ફળ ગઈ છે અને ક્ષત્રિય સમાજ આ વખતે સમાધાન કરવા તૈયાર નથી.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા – ફાઇલ તસવીર

ફરી સમાધાનની બેઠક થાય તેવું લાગતું નથીઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ત્યારે ક્ષત્રિય સમાજમાંથી આવતા ભાજપના અગ્રણી નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બેઠક અંગે જાણકારી આપતા કહે છે કે, ‘ક્ષત્રિય સમાજની રૂપાલાએ વારંવાર માફી માગી છે. પરંતુ સમાજ તેમને માફ કરવા ઇચ્છતો નથી. પાટીલે પણ બે હાથ જોડી વિનંતી કરી છે ત્યારે સમાજ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવવા પર અડગ છે. અમે આ મુદ્દે હાઇકમાન્ડને જાણ કરીશું. હવે પછી સમાધાન માટે ફરી બેઠક થાય તેવું લાગતું નથી.’ આ બેઠક બાદ ભાજપ સાથે ક્ષત્રિય સમાજની એકપણ બેઠક થઈ નથી અને આંદોલન વધુ ઝડપથી આગળ વધ્યું.

ભારતનો ક્ષત્રિય સમાજ પણ લાલઘૂમ
ત્યારબાદ રાજપૂત સમાજે પ્રેસ કોન્ફરન્સ કરી બેઠકની માહિતી આપી હતી. જેમાં સમાજના તમામ અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા હતા. ક્ષત્રિય સમાજે આ કોન્ફરન્સમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી લડત આપવાની જાહેરાત કરી હતી. આ મુદ્દો એટલો ઝડપથી ફેલાયો કે, તેના પડઘાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં જ નહીં, ભારતના અન્ય રાજ્યના રજપૂત-ક્ષત્રિય સમાજમાં પડ્યાં છે. રાજસ્થાનના ક્ષત્રિય અગ્રણીઓ સહિત અનેક લોકોએ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને વખોડી નાંખ્યું છે અને તેમની ટિકિટ રદ કરવાની માગ કરી છે.

ડાબે જયવીરરાજસિંહ ગોહિલ અને જમણે રાજમાતા રુક્મણી દેવી – ફાઇલ તસવીર

રાજવી પરિવાર પણ મેદાનમાં આવ્યો
પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે રાજવી પરિવાર પણ મેદાને આવ્યાં છે. ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે પરશોત્તમ રુપાલાના નિવેદનને નિમ્ન કક્ષાનું ગણાવી તેઓ સમાજના સમર્થનમાં છે તેમ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ‘સત્તાની ઘેલછામાં આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તે યોગ્ય નથી. દુર્ભાગ્ય છે કે આવા શબ્દો કોઈના મોઢામાંથી નીકળે અને તે પણ વરિષ્ઠ નેતાના મોઢામાંથી નીકળે. રૂપાલા સાહેબને જ્યારે પણ મળ્યો છું માન સન્માન રાખ્યું છે. તેમના મોઢામાંથી આવા નીચ શબ્દો આવ્યા તેનાથી હું પણ આશ્ચર્યચકિત હતો. હવે સમાજ નિર્ણય લેશે.’

રાજપીપળાના મહારાણીએ આ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ‘અત્યારે જે રુપાલાનો વિરોધ થઈ રહ્યો છે, તે યોગ્ય જ છે. રૂપાલાની વિચારધારા જ ખરાબ છે. આવા ઉમેદવારને ટિકિટ આપીને નરેન્દ્ર મોદીએ ખોટું કર્યું છે. રૂપાલાએ ભલે માફી માગી હોય, પરંતુ રાજપૂતોમાં માફી ના હોય. અમારામાં તો જે ભૂલ કરે, તેનું માથું જ વાઢી નાંખવામાં આવે છે.’ આ સાથે જ મહારાણી રુકમણી દેવીએ રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રુપાલાને બદલીને અન્ય કોઈ નવા ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી છે.

ક્ષત્રાણીઓએ મોદીને 2 હજાર પત્રો લખ્યાં
વડોદરાના ક્ષત્રિય સમાજની મહિલાઓએ રૂપાલાની ટિપ્પણી મામલે શાંતિપૂર્વક પોસ્ટકાર્ડ આંદોલન ચલાવ્યું હતું. તેમણે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યાં હતાં. વડોદરાની 2000 જેટલી ક્ષત્રાણીઓએ પત્રમાં લખ્યું હતું કે, ‘અમને રૂપાલા તો ન જ જોઈએ.’

અનેક ગામમાં ભાજપને પ્રવેશવા પર પ્રતિબંધ
ગુજરાતનું ગ્રામ્ય વિસ્તાર પણ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીથી નારાજ જોવા મળી રહ્યું છે. પરશોત્તમ રૂપાલાના નિવેદને લઈને ગુજરાતના અનેક ગામડાંઓમાં ભાજપના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા બેનરો જોવા મળ્યા છે. મહત્વનું છે કે, જો આ વિવાદનો અંત નથી આવતો તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડે તેવી શક્યતા છે.

ક્ષત્રાણીઓને નજરકેદ કરી
આ આંદોલનના 12મા દિવસે સમગ્ર ગુજરાતમાં આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અમદાવાદના સમર્પણ બંગ્લોઝમાં પાંચ ક્ષત્રાણીયોને નજરકેદ કરવામાં આવી હતી. આ એ ક્ષત્રાણીઓ હતી કે જેમણે જૌહર કરવાની જાહેરાત કરી હતી. ત્યારે રાષ્ટ્રીય કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા તેમને સમજાવવા માટે અમદાવાદ આવ્યા હતા. ત્યારે તેમને મળવા જઈ રહ્યા હતા, તે સમયે પોલીસે તેમને રોક્યા હતા અને અટકાયત કરી હતી. ત્યારબાદ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ આંદોલન પર ઉતરી આવ્યો હતો. ઠેર ઠેર રેલીઓ યોજવામાં આવી હતી.

પદ્મિનીબા વાળા બેભાન થતા તાત્કાલિક સારવાર માટે ખસેડ્યાં હતાં.

પદ્મિનીબા બેભાન થયાં
તો બીજી તરફ, રાજકોટના સામાજિક આગેવાન પદ્મિનીબાએ અન્નનો ત્યાગ કર્યો હતો. તેઓ રાજકોટની રેલીમાં બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમની તબિયતમાં સુધારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાંચ ક્ષત્રાણીઓએ અન્નનો ત્યાગ કર્યો છે.

મહત્વનું છે કે, હજુ સુધી આ વિવાદનો અંત આવ્યો નથી. કારણ કે, એકબાજુ ક્ષત્રિય સમાજ ટિકિટ કાપવા માટે અડગ છે અને બીજી બાજુ ભાજપ નમતું જોખવા માટે તૈયાર નથી. ભાજપ અને ક્ષત્રિયો હવે વટ પર આવી ગયા છે, તેમ કહી શકાય. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બને છે કે પછી રૂપાલાને રવાના કરવામાં આવશે!