December 17, 2024

Lok Sabha Election: નડાબેટથી અંબાજી સુઘી ગેનીબેન ઠાકોરનો લોકસંપર્ક

શક્તિસિંહ રાજપુત,અંબાજી: 2024 લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠા સીટના ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરીની જાહેરાત કરવામાં આવી છે. ડો. રેખાબેન ચૌધરી દ્વારા લોક સંપર્ક શરૂ કરી દેવાયા છે અને માતાજીના દર્શન પણ કરીને તેમને પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે કોંગ્રેસ દ્વારા બનાસકાંઠા સીટ ઉપર વાવના ધારાસભ્ય અને લડાયક મિજાજ નેતા ગેનીબેન ઠાકોરની જાહેરાત કરાતા બનાસકાંઠા કોંગ્રેસમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગઇકાલે વાવના ધારાસભ્ય અને બનાસકાંઠા લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર નડાબેટથી અંબાજી સુધી યાત્રા કરી હતી અને લોક સંપર્ક કર્યા હતા અને લોકોના આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના આશીર્વાદ લઈને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અંબાજી મંદિરમાં તેમને સિદ્ધિવિનાયક મંદિરની સાથે માતાજીની ગાદીના આશીર્વાદ સાથે ભૈરવજીના પણ દર્શન કર્યા હતા.

અંબાજી ખાતે પહોંચેલા ગેનીબેન ઠાકોરનું 51 શક્તિપીઠ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીજે અને ઢોલ દ્વારા એકાવન શક્તિપીઠ સર્કલથી સાત નંબર ગેટ સુધી ગેનીબેન ઠાકોર ચાલતા ચાલતા માતાજીના આશીર્વાદ લેવા અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં તેમને સાંજની આરતીમાં ભાગ લીધો હતો. તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા. અંબાજી મંદિરમાં તેમને માતાજીના આશીર્વાદ લઈને કોંગ્રેસ પાર્ટીના જે પણ વચના હોય તે વચનો પૂરા કરવાની ખાતરી આપી હતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અંબાજી મંદિરના મહારાજ દ્વારા તેમને ચુંદડી ઓઢાડીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના ધારાસભ્ય સહિત વિવિઘ નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.