December 17, 2024

આવતીકાલે બપોરે 3 વાગ્યે થશે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત

અમદાવાદ: લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચાલી રહેલી બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. નવનિયુક્ત કમિશનરોના ઔપચારિક સ્વાગત બાદ પૂર્ણ પંચની બેઠકનો પ્રારંભ થયો હતો. જેમાં લોકસભા ચૂંટણીની તારીખોને લઈને મોટી જાહેરાત થઈ છે. ચૂંટણી પંચ શનિવારે એટલે કે આવતી કાલે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરશે. આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. મહત્વનું છેકે, ચૂંટણી આયોગના આધિકારીક હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ જાહેરાત કરવામાં આવી છે.

ભાજપની બીજી યાદીમાં

ભાજપે પહેલી યાદીમાં 195 નામ જાહેર કર્યા હતા
તાજેતમાં જ ભાજપે લોકસભા સીટની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતની 7 બેઠક પર નામની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ભાજપે પહેલી યાદીમાં195 લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 28 મહિલા આગેવાનોને પણ ટિકિટ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ 51, બંગાળ 20, મધ્યપ્રદેશ 24, ગુજરાત 15, રાજસ્થાન 15, કેરલ 12, તેલંગાના 9, આસામ 11, ઝારખંડ અને છત્તીસગઢ 11, દિલ્હી પાંચ સહિત 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે ગુજરાતમાં 7 ઉમેદવારના નામ જાહેર કર્યા
કોંગ્રેસે 43 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીથી કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો પોરબંદરથી લલીત વસોયાનું નામ સામે આવ્યું છે. આ સિવાય બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડથી અનંત પટેલનું નામ જાહેર કરાયું છે. અમદાવાદ પશ્ચિમમાંથી ભરત મકવાણાનું નામ સામે આવ્યું છે. આ સિવાય અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાનું નામ જાહેર કરાયું છે. તો કચ્છથી નીતિશભાઇ લાલનનું નામ જાહેર કરાયું છે.

ગત વખતે 7 તબક્કામાં યોજાઈ હતી ચૂંટણી
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. ગત વખતે ચૂંટણી પંચે 10 માર્ચે તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. તે ચૂંટણી સમયે દેશમાં 91 કરોડથી વધુ મતદારો હતા. જેમાંથી 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

વર્ષ 2019માં આવેલા પરિણામો
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014ની સરખામણીમાં મોટી જીત મેળવી હતી. વર્ષ 2014માં ભાજપે 282 સીટો જીતી હતી, જ્યારે 2019માં 303 સીટો પર જીત મેળવી હતી. તો NDAને 353 બેઠકો મળી હતી. બીજેપીને 37.7% થી વધુ વોટ મળ્યા હતા, જ્યારે NDA ને 45% વોટ મળ્યા હતા. કોંગ્રેસ માત્ર 52 સીટો જીતી શકી હતી.