July 3, 2024

જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી SC-ST, OBCની અનામત નહીં હટે: PM Modi

PM Modi In Deesa:  લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. પીએમ મોદી આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં સભાને સંબોધિત કરશે. PM મોદીના આગમનને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી આજથી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું, મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર આપ્યા, જે શિક્ષણ આપ્યું અને ખૂબ લાંબા સમય સુધી મને મુખ્યમંત્રી રાખીને આપે જે મને અનુભવ કરવાની તક આપી તે બધુ આજે મને દિલ્હીમાં લેખે લાગે છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, આજે ગુજરાત સ્થાપના દિવસ જે આપણા બધા માટે નવા સંકલ્પનો દિવસ છે. નવી ઉર્જા માટેનો દિવસ અને તે નીમિતે આપણે 1 મેએ સંકલ્પ લઇએ કે વિકસીત ભારત માટે વિકસીત ગુજરાત બનાવવામાં અમે કોઇ કમી નહી રહેવા દઇએ. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે તમે બધાએ મને 2014માં દિલ્હી મોકલી દેશની સેવા કરવાનો મોકો આપ્યો છે અને એ દિવસો યાદ કરો 2014 પહેલા જે સરકાર હતી ત્યારે દેશમાં આતંકવાદ, ગોટાળા, ચારે બાજુ ભ્રષ્ટાચાર, નીતિ નિર્ણયો, નિરાશામાં દેશ ડુબી ગયો હતો. દેશના યુવાનો ભવિષ્ય માટે વિતારતા હતા કે શું કરવું? અને આવા સંજોગોમાં તમે મને દેશની સેવા કરવાનો મોકો આપ્યો હતો. જેવી રીતે તમે મને ટ્રેનિંગ અને શિક્ષા આપી તો મેં દેશ સેવા કરવા માટે કોઈ કસર છોડી નથી. મેં કોશિશ કરી દેશની સંકટભરી સ્થિતિમાંથી બહાર કાઢુ, સામાન્ય માણસની ઉમ્મીદ પુરી કરું.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે 2019માં બધા લોકો માનતા હતા કે ફરી વાર સરકાર નહીં બને અને સરકાર ના બને એ માટે દુનિયાભરના ખેલ થયા હતા પણ ફરી એક વખત સરકાર બની. 2019માં તમે ફરી મને અવસર આપ્યો એક મજબૂત સરકાર માટે મેન્ડેડ આપ્યો અને ફરી એકવાર હું દેશની સેવા લાગી ગયો. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, 2024ની ચૂંટણીમાં મારા 20-22 વર્ષના અનુભવ લઈને આવ્યો છું. દેશના સામર્થ્યના આધાર પર ગેરંટી લઈને આવ્યો છું. ગેરંટી એમ જ નથી અપાતી એના માટે હિંમત જોઈએ. મારી ગેરંટી છે કે મારા ત્રીજા ટર્મમાં ભારતને ત્રીજી અર્થ વ્યવસ્થા બનાવીને રહીશ અને જ્યારે દેશની અર્થવ્યવસ્થા ત્રીજી બનશે ત્યારે તેમનો લાભ આવનારી પેઢીને મળશે.

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, જ્યારે ત્રીજી વાર ભાજપની સરકાર બનશે 4 જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે 100 દિવસમાં શું કરવાના છે. પહેલાં 100 દિવસમાં જ બતાવ્યું કે ભાજપ શું કામ કરી શકે છે. માટે આપણે દરેક બૂથ પર કમળ ખીલવવાના છે પણ બધી સીટ જીતીને મારે સંતોષ નથી માનવાનો, આપણે તો બધા પોલિંગ બૂથ જીતવાના છે. વધુમાં પીએમ મોદીએ ગુજરાતના લોકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તમે બધાએ ક્યારેય ગુજરાતમાં અસ્થિર સરકાર નથી બનવા દીધી. તમને બધાને સેલ્યુટ કરુ છું.

વધુમાં કહ્યું કે, જ્યાં સુધી મોદી છે અને ભાજપ છે ત્યાં સુધી બાબા સાહેબે જે આરક્ષણ આપ્યું છે તે હું જીવું છુ ત્યાં સુધી નહીં હટવા દઉં. કોંગ્રેસ વાળા કાન ખોલી ને સાંભળી લ્યો હું ધર્મના આધાર પર અનામતનો ખેલ નહીં રમવા દવ.
તમે ગુજરાતીઓએ મને મોટો કર્યો છે એટલે ચિંતા ન કરો. જે લોકો પહેલીવાર મતદાન કરવાના તેમને દેશની શું પરિસ્થિતિ હતી એ ખબર જ નહોતી. એકવાર ગુગલ પર જઈને જોજો પહેલાં ચોરી, લૂંટની ખબરો ચાલતી હતી અને આજે શું ચાલે છે આટલા પકડ્યાં, આ એનો જ ફફડાટ છે ભાઈ. લોકો કાળી મજૂરી કરીને ટેક્ષ આપે એને લૂંટાવા દેવાય ભાઈ? અને હું લૂંટતા બચાવું છું તો આ લોકો મારો હાથ ખેંચે છે.

વધુમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસના યુવરાજએ પુરા ઓબીસી સમાજ અને મોદી સમાજને ચોર કહ્યાં હતા. 2024માં કોંગ્રેસ વાળા કહે છે મોદી અનામત લઇ લેશે. કોંગ્રેસ વાળા કહે છે કે મોદીને જેલમાં નાખી દેશે, ક્યારેક કહે છે મોદીનુ્ં માથુ ફોડી નાખશું. આવી આવી વાતો પર તે ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે. ગુજરાતની પ્રજાએ ક્યારેય અહીંયા અસ્થિર સરકાર નથી આવવા દીધી. કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી છે તો આજે એને પગ નથી રાખવા દીધો. કોંગ્રેસ પાસે ન મુદ્દા, ન વિઝન અને કામ કરવાનું જુનુન છે. આપણે બતાવી દઈશું દાળભાત ખાવા વાળો શું કરી શકે છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, પાડોશી રાજ્ય રાજસ્થાન મતદાન થઇ ગયું છે પરંતુ કોંગ્રેસને એક પણ સીટ નહીં મળે તેવી સંભાવના છે, એટલે ઇન્ડી ગઢબંધન કંઇ પણ કરી રહ્યાં છે. આ લોકો મહોબ્બતની દુકાન ખોલવા નીકળ્યા હતા પણ હવે ફેક વિડીયોની દુકાન ખોલીને બેસી ગયા છે. હવે તેમની ચૂંટણીમાં તેમની વાતો નથી ચાલતી એટલે તે ફેક વિડીયો બનાવી અફવા ફેલાવી રહ્યા છે. તમે કલ્પના કરો જે પાર્ટીએ દેશમાં 60 વર્ષ રાજ કર્યું છે પરંતુ તેમની જનતાની વચ્ચે જવાની હિંમત નથી. જે મહોબ્બતની દુકન કહેતા હતા તે હવે ફેક ફેક્ટરી છે. કોંગ્રેસના વિડીયો ફેક, કોંગ્રેસની વાતો ફેક, કોંગ્રેસના વાયદા ફેક, કોંગ્રેસના નારા ફેક, કોંગ્રેસની નિયત ફેક, તે વિચારે છે કે આ ચા વાળો શું કરી લેશે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, ભાજપે લાંબા ગાળાની મહેનત કરી છે એટલે આજે ગુજરાત આગળ આવ્યું છે. ગમે તેવી ગરમી હોય, ગમે તેવો તડકો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય મતદાન વધવું જોઈએ.