રાહુલ ગાંધી કઈ બેઠક છોડશે? રાયબરેલી કે વાયનાડ પર આજે થશે ફેંસલો!
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક અને કેરળની વાયનાડ બેઠક એમ બન્ને બેઠકો પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. ચૂંટણી પરિણામો આવ્યાને 14 દિવસ થઈ ચૂક્યા છે. નિયમ મુજબ હવે બે બેઠકો પરથી ચૂંટાયેલા સાંસદે 14 દિવસમાં કોઈ એક બેઠક છોડવી પડતી હોય છે. 4 જૂનના રોજ લોકસભા ચૂંટણી પરિણામો આવ્યા અને હવે 18 જૂન સુધીમાં રાહુલ ગાંધીએ નક્કી કરવાનું છે કે, તેઓ કઈ બેઠક પરથી સાંસદ પદેથી રાજીનામું લોકસભા સ્પીકરને સોંપશે.
હવે સમય પાકી ગયો છે કે, તેમણે નક્કી કરવાનું છે કે તેઓ રાયબરેલી બેઠક છોડશે કે પછી વાયનાડ બેઠક. ત્યારે હવે ચર્ચા એ વાતને લઈને થઈ રહી છે કે, રાહુલ ગાંધી રાયબરેલી બેઠક છોડશે કે વાયનાડ બેઠક? કારણ કે હજુ સુધી રાહુલ ગાંધી કઈ બેઠક છોડશે તેને લઈને નિર્ણય નથી કર્યો. તો કોંગ્રેસ સાથે જોડાયેલા સૂત્રોનો દાવો છે કે, રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પોતાની પાસે રાખશે અને વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે.
આ પણ વાંચોઃ પોરબંદરના દરિયાકિનારેથી ઝડપાયા નશીલા પદાર્થના પેકેટ્સ, SOGની કાર્યવાહી
આ મામલે આજે સાંજે કોંગ્રેસની એક મહત્વની બેઠક મળી રહી છે. 10 રાજાજી માર્ગ ખાતે સાંજે 5 વાગે કોંગ્રેસના ટોચના નેતાઓની મહત્વની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત મોટા નેતાઓ હાજરી આપશે.
ઉત્તર પ્રદેશના પ્રભારી અવિનાશ પાંડેયએ પોતાના તાજેતરના નિવેદનમાં જણાવ્યું છે કે, રાહુલ ગાંધી રાયબરેલી બેઠક નહિ છોડે. રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં જીત બાદ જ્યારે પહેલીવાર વાયનાડ પહોંચ્યા હતા. ત્યારે બન્ને બેઠકોમાંથી કોઈ એક બેઠકની પસંદગીને લઈને તેમણે કહ્યું હતું કે તેઓ મૂંઝવણમાં છે કે બન્ને બેઠકોમાંથી કઈ બેઠકની પસંદગી કરે. તો બીજી બાજુ રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, મારા નિર્ણયથી રાયબરેલી અને વાયનાડ બન્ને વિસ્તારોના કાર્યકર્તા ચોક્કસ ખુશ થશે. નિર્ણયને હવે એક જ દિવસનો સમય બાકી રહ્યો છે.