December 17, 2024

Election Result 2024: ગેનીબેન રડ્યાં ‘ને બનાસકાંઠાવાસીઓએ ખોબલે ખોબલે મામેરું ભરી લોકસભામાં મોકલ્યાં

બનાસકાંઠાઃ લોકસભા ચૂંટણીની મતગણતરી અંતિમ તબક્કામાં છે. ત્યારે ગુજરાતની 25 બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં બનાસકાંઠાના કોંગ્રેસી ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ક્લિન સ્વિપના સપનાને તોડી નાંખ્યું છે. છેક સુધી રસાકસીભર્યા માહોલ વચ્ચે ગેનીબેન ઠાકોર 30 હજાર કરતાં વધુ મત મેળવીને આ બેઠક પરથી વિજયી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, 10 વર્ષના લાંબા સમયગાળા બાદ કોંગ્રેસે લોકસભામાં ખાતું ખોલાવ્યું છે.

લોકસભા બેઠકનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન રડી પડ્યાં હતા. તેમણે જે દિવસે ફોર્મ ભર્યું, તેના એક દિવસ પહેલાં કોંગ્રેસે એક સભાનું આયોજન કર્યું હતું. ત્યારે કોંગ્રેસની સભામાં ગેનીબેને જણાવ્યું હતું કે, ‘હું રાતે વિચાર કરું કે, હે ગેની તું એક ગરીબ ઘરના ઝૂંપડામાંથી આવતી દીકરી છે, આજે આખો જિલ્લો તારા પર ભરોસો રાખીને બેઠો છે અને તને જ્યારે નેતા બનાવી છે ને ત્યારે આખા જિલ્લાએ જે મારા પણ ભરોસો મૂક્યો છે ને એને ડગવા ન દેજે. મારા બનાસકાંઠાને અને મારા નેતૃત્વને ક્યાંય આંચ ન આવે એવી મારી ભગવાનને પ્રાર્થના છે.’ આટલું બોલ્યાં બાદ ગેનીબેન ઠાકોર રડી પડ્યાં હતાં અને રડતાં રડતાં જણાવ્યું હતું કે, ‘હું જ્યારે ગામડે ગામડે ફરું છું, ત્યારે લોકો હાર પહેરાવે છે અને ત્યારે તેમનું ઋણ મારા પણ છે. લોકસભા એટલે નાની વસ્તુ ના કહેવાય. પેઢીઓને પેઢીઓ ખસી જાય છે તોય ટિકિટ નથી મળતી, પણ આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે ભગવાન મારી નાવ તારજે…’

આ પણ વાંચોઃ કોંગ્રેસે 10 વર્ષે ગુજરાતમાં ખાતું ખોલાવ્યું, બનાસકાંઠાથી ગેનીબેન જીત્યાં

7 વિધાનસભામાંથી 2 બેઠક કોંગ્રેસ પાસે
બનાસકાંઠા લોકસભા સીટમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા, દિયોદર એમ કુલ 7 બેઠક આવે છે, જેમાંથી થરાદ, પાલનપુર, ડીસા અને દિયોદર ભાજપ પાસે છે. જ્યારે વાવ તેમજ દાંતા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. ધાનેરા બેઠક પરથી ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી દેસાઇ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે ભાજપને ટેકો જાહેર કરેલો છે.

શરૂઆતમાં કોંગ્રેસનો દબદબો, છેલ્લી 3 ટર્મથી ભાજપની જીત
બનાસકાંઠા લોકસભા બેઠક પર વર્ષ 1951માં પહેલી ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર અકબરભાઇ ચાવડા સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર ગોરધનદાસ મહેતા સામે 55,711 મતની લીડથી વિજેતા થયા હતા. ત્યાર બાદ 1957 અને 1962માં પણ કોંગ્રેસના ઉમેદવાર અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2009થી આ બેઠક પર સતત ભાજપની જીત થઇ રહી છે. ભાજપે 2009 અને 2014માં જીતેલા હરિભાઇ ચૌધરીની ટિકિટ કાપીને 2019માં પરબત પટેલને ટિકિટ આપી હતી. પરબત પટેલે આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળને 3,68,296 મતની લીડથી હરાવીને જીત મેળવી હતી.