ટિકિટની અટકળો વચ્ચે મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી
મહેસાણાઃ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે મહેસાણા સીટ પરથી પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આ જાહેરાત કરી છે.
View this post on Instagram
ભાજપે 195 ઉમેદવારોની જાહેરાત
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ તમામ પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી દેશના અલગ અલગ રાજ્યોમાં અમુક ઉમેદવારોના નામ જાહેર કરતી પહેલી યાદી બહાર પાડી છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમાં 10 સાંસદને રિપિટ કરવામાં આવ્યા છે અને 5 નવા ઉમેદવારો પર બાજી લગાવવામાં આવી છે.
સમાજની દૃષ્ટિએ પાટીદારોનું પ્રભુત્વ
મહેસાણા લોકસભા બેઠકમાં ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર, માણસાની સાત વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવે છે. સામાજિક દૃષ્ટિએ વાત કરીએ તો, આ બેઠક પર પટેલ સમાજનું વર્ચસ્વ રહેલું છે. છેલ્લા ત્રણ ટર્મથી ભાજપ આ સીટ પર પટેલ સમાજનો ઉમેદવાર મેદાનમાં ઉતારી રહ્યું છે અને સતત જીતી રહ્યું છે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી હતી અને તેમણે 2.81 લાખથી વધુ મત મેળવીને કોંગ્રેસના ઉમેદવાર એજે પટેલને હરાવ્યા હતા. તેમના પહેલાં વર્ષ 2014માં ભાજપે આ સીટ પર જયશ્રીબેન પટેલને ટિકિટ આપી હતી. તેમણે 2.08 લાખ મત વધુ મેળવીને કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલને હરાવ્યા હતા. તે પહેલાં વર્ષ 2009માં ભાજપે જયશ્રીબેન પટેલને ટિકિટ આપી હતી અને તેઓ માત્ર 21 હજાર મતની લીડથી કોંગ્રેસના જીવાભાઈ પટેલ સામે જીતી ગયા હતા. આમ, મહેસાણા લોકસભા બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે.