November 17, 2024

ગુજરાતની લોકસભા બેઠકનાં 32 ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ, જાણો તમામ માહિતી

મલ્હાર વોરા, ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 26માંથી એક બેઠક બીજેપી બિનહરીફ જીતી ગયુ છે. બાકીની 25 બેઠકની વાત કરીએ તો કુલ 266 ઉમેદવારમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા છે. તેમજ કોર્ટમાં કેસ પડતર હોવાની વિગતો જોવા મળી છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતના કુલ ઉમેદવારના 10%થી વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમાં 15 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે રાજકીય પાર્ટીના સૌથી વધુ છ ઉમેદવાર કોંગ્રેસના છે, ભાજપના ત્રણ અને આપના એક ઉમેદવાર જેની સામે વિવિધ ગુના નોંધાયેલા છે.

આગામી મહિનાની સાતમી તારીખે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાવવાનું છે. ત્યારે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણીનો પ્રચાર પસાર શરુ થઈ ગયો છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પરથી મળતી વિગતો મુજબ ગુજરાતના 266 ઉમેદવારમાંથી 32 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો છે. 15 અપક્ષ ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ થયેલી છે.

BJPના કયા ઉમેદવાર સામે કેટલા કેસ?

  • છોટાઉદેપુરના જશુભાઈ રાઠવા એક કેસ
  • જૂનાગઢના રાજેશ ચુડાસમા એક કેસ
  • ગાંધીનગરના અમિત શાહ સામે ત્રણ ફરિયાદ નોંધાયેલી

બીજેપીના 26 ઉમેદવારમાંથી માત્ર ત્રણ ઉમેદવારનો ગુનાહિત ઇતિહાસ જોવા મળ્યો છે. પરંતુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષમાં પણ આ વખતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે.

ગુનાહિત ઇતિહાસ ધરાવનારા કોંગ્રેસના ઉમેદવાર

  • વલસાડના ઉમેદવાર અનંતકુમાર પટેલ
  • પાટણના ચંદનજી ઠાકોર
  • બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર
  • જૂનાગઢ ના હીરાભાઈ જોટાવા
  • અમદાવાદ પૂર્વના હિંમતસિંહ પટેલ
  • છોટાઉદેપુરના સુખરામ રાઠવા

ભરૂચના આપના ઉમેદવાર ચૈતર વસાવા સામે પણ ફરિયાદ નોંધાયેલી છે.

નોંધનીય છે કે, ઉમેદવારો દ્વારા જાહેર કરવામાં આવેલી એફિડેવિટ મુજબ 32 જેટલા ઉમેદવારો સામે જુદા જુદા ગુના હેઠળ કેસ નોંધાયેલા છે. હાલ જુદી જુદી કોર્ટમાં કેસ પડતર છે. જેમાં બીજેપી, કોંગ્રેસ અને આપ મળીને કુલ 10 નેતાઓ એવા છે કે, જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જ્યારે 15 અપક્ષ ઉમેદવારોમાં સૌથી વધુ ત્રણ સુરેન્દ્રનગરની બેઠક પર, સાબરકાંઠાની બેઠક પર બે, ગાંધીનગર બેઠક પર બે, ભરૂચમાં બે, ભાવનગર-વડોદરા-ખેડા-જામનગર-પોરબંદર અને આણંદની બેઠક પર એક એક ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે અથવા જુદી જુદી કોર્ટમાં કેસ પડતર ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણીમાં 2004 પછી સૌથી ઓછા 266 ઉમેદવારો નોંધાયેલા છે. તેમાંથી 10 ટકાથી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.