લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, જાણી લો તારીખ સહિત તમામ માહિતી
નવી દિલ્હીઃ 18મી લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી આયોગે પ્રેસ કોન્ફરન્સમાં 13મી મે તારીખ જાહેર કરી છે. 24મી જૂને 17મી લોકસભાનો કાર્યકાળ પૂરો થાય છે. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજવામાં આવશે. ફેઝ 1માં 21 રાજ્યો, બીજા ફેઝમાં 13 રાજ્યો, ત્રીજા ફેઝમાં 12 રાજ્યો, ફેઝ 4માં 10 રાજ્યો, ફેઝ 5માં 8, ફેઝ 6માં 7 રાજ્યો અને સાતમાં ફેઝમાં 8 રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન યોજાશે. ગુજરાતમાં પણ ત્રીજા ફેઝમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, તારીખ જાહેર થતાંની સાથે જ હવે સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ ઉપરાંત 4થી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ યોજાશે.
ગુજરાતમાં 5 બેઠક પર પેટાચૂંટણી યોજાશે
આ સાથે જ ગુજરાતમાં પાંચ બેઠક પર પેટાચૂંટણી પણ યોજવામાં આવશે. વિજાપુર, વાઘોડિયા, માણવદર, પોરબંદર, ખંભાત બેઠક પર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવશે. જે ફેઝ 3માં લોકસભા ચૂંટણી સાથે જ યોજાશે.
લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે
- પ્રથમ તબક્કો : 19 એપ્રિલ
- બીજો તબક્કો : 26 એપ્રિલ
- ત્રીજો તબક્કો : 7 મે
- ચોથો તબક્કો : 13 મે
- પાંચમો તબક્કો : 20 મે
- છઠ્ઠો તબક્કો : 25 મે
- સાતમો તબક્કો: 1 જૂન
ભાજપે ઉમેદવારના બે લિસ્ટ જાહેર કર્યા
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 28 મહિલા આગેવાનોને પણ ટિકિટ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ 51, બંગાળ 20, મધ્યપ્રદેશ 24, ગુજરાત 15, રાજસ્થાન 15, કેરલ 12, તેલંગાના 9, આસામ 11, ઝારખંડ અને છત્તીસગઢ 11, દિલ્હી પાંચ સહિત 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ વધુ એક યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતની વધુ 7 બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.
કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતની સીટ પર ઉમેદવાર જાહેર કર્યા
કોંગ્રેસે 43 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીથી કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો પોરબંદરથી લલીત વસોયાનું નામ સામે આવ્યું છે. આ સિવાય બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડથી અનંત પટેલનું નામ જાહેર કરાયું છે. અમદાવાદ પશ્ચિમમાંથી ભરત મકવાણાનું નામ સામે આવ્યું છે. આ સિવાય અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાનું નામ જાહેર કરાયું છે. તો કચ્છથી નીતિશભાઇ લાલનનું નામ જાહેર કરાયું છે.