લોકસભા ચૂંટણી માટે BJPની નવી સ્ટ્રેટેજી – MLAને નહીં આપે ટિકિટ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે મહત્વની બેઠક છે. સાંજે દિલ્હી BJP મુખ્યાલય પર બેઠક યોજવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજરી આપશે. ગઈકાલે દિલ્હીમાં ગુજરાત ભાજપની કોર ગ્રુપની બેઠક યોજવામાં આવી હતી. તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
એકપણ ધારાસભ્યોને લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ નહીં આપવામાં આવે. ગુજરાતના હાલના 7થી 9 હાલના સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. આજે કેટલીક બેઠકો પર નવા નામો સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ભાજપ આશરે 90 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા છે. પ્રથમ યાદીમાં PM વારાણસી, અમિત શાહ ગાંધીનગરની સાથે અન્ય બેઠકોની જાહેરાત કરવામાં આવશે.
ઉમેદવાર નક્કી કરવા માટે સેન્સ પ્રકિયા
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભાજપે સેન્સ પ્રકિયા હાથ ધરી હતી. લોકસભા ચૂંટણી માટે મજબૂત ઉમેદવાર શોધવા માટે ભાજપે સમગ્ર રાજ્યમાં સેન્સ પ્રકિયા શરૂ કરી હતી. જેમાં અલગ અલગ જિલ્લા પ્રમાણે ત્રણ પ્રભારી નક્કી કરવામાં આવ્યા હતા અને તેમણે જ ઉમેદવારોના સેન્સ લીધા હતા. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠક મળી હતી અને ઉમેદવારોનું લિસ્ટ નક્કી કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
માર્ચમાં યોજાશે લોકસભા ચૂંટણી
લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો મેદાનમાં આવી ગયા છે, તો બીજીતરફ ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે (Rajiv Kumar) લોકસભા ચૂંટણીની તારીખો (Lok Sabha Election Date) અંગે આજે આશા વ્યક્ત કરી છે કે, 15થી 20 માર્ચ વચ્ચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવાશે. જોકે તે પહેલા ચૂંટણી પંચની ટીમ 12 અને 13મી માર્ચે જમ્મુ-કાશ્મીરની મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય ગૃહ સચિવ અને અન્ય વિભાગો સાથે પણ ચર્ચા-વિચારણા કરશે. ત્યારબાદ ચૂંટણીની ફાઈનલ તારીખ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે એક અગ્રણી મીડિયા જૂથને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ચૂંટણીમાં ભડકાઉ ભાષણ આપનારા નેતાઓને અગાઉથી જ નોટિસ ફટકારાશે.