December 17, 2024

વિલિયમસન બાદ આ બે દિગ્ગજ ખેલાડીએ અચાનક ન્યુઝીલેન્ડની ટીમનો સાથ છોડી દીધો

New Zealand Central Contract: ટી-20 વર્લ્ડ કપ 2024માં શરમજનક પ્રદર્શન બાદ ન્યુઝીલેન્ડની ટીમને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ટીમના કેપ્ટન અને અનુભવી બેટ્સમેન કેન વિલિયમસને કેપ્ટન પદેથી રાજીનામું ધરી દીધું છે અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને ફગાવી દીધો છે. હવે તેના પછી અન્ય બે ખેલાડીઓએ પણ પોતાની જાતને ટીમથી અલગ કરી લીધા છે અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન લેવાનો નિર્ણય કર્યો છે.

તાજેતરમાં જ પાપુઆ ન્યુ ગિની સામે કહેર વર્તાવતી બોલિંગ કરનાર ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન અને અનુભવી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પણ વર્ષ 2024-25 માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી પોતાને દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કરાર ન મળવાનો અર્થ એ છે કે આ ખેલાડીઓ હવે કોઈપણ દ્વિપક્ષીય શ્રેણી અથવા ટૂર્નામેન્ટ માટે ટીમ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં.

આ પણ વાંચો: નેપાળના ખેલાડી સાથે મારપીટ કરનાર બાંગ્લાદેશના સ્ટાર ખેલાડીને ICCએ આપી કડક સજા

તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ ક્રિકેટના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા ખેલાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિવાય ઘરેલુ સુપર સ્મેશ સ્પર્ધા (ટી-20 પ્રતિયોગિતા) રમવા માટે પ્રતિબદ્ધ હોવું જોઈએ પરંતુ બોલ્ટ-નીશમની જેમ વિલિયમસન અને ફર્ગ્યુસન આવું કરવા ઈચ્છતા નથી.

ટ્રેન્ટ બોલ્ટે પહેલેથી જ પુષ્ટિ કરી દીધી હતી કે વર્તમાન ટી-20 વર્લ્ડ કપ તેનો છેલ્લો હશે. આ સિવાય બોલ્ટ પણ અગાઉના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ નહોતો. વિશ્વભરમાં ચાલી રહેલી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ લીગ રમવા માટે બોલ્ટે આવું કર્યું હતું. પરંતુ હવે લોકી ફર્ગ્યુસને પણ પોતાની જાતને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી લીધો છે. તેણે આવું શા માટે કર્યું તે અંગે ફર્ગ્યુસન તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

આવી સ્થિતિમાં હવે આ ત્રણેય દિગ્ગજ ખેલાડીઓ આગામી સમયમાં કિવી ટીમનો ભાગ નહીં હોય. જો આ ત્રણેય સાથે બહાર થશે તો ન્યુઝીલેન્ડને મોટો ફટકો પડશે. જોકે કરારની બહાર હોવા છતાં નીશમ પાકિસ્તાનના પ્રવાસે ગયો હતો. આવી સ્થિતિમાં આ ખેલાડીઓ જ્યારે ઇચ્છે ત્યારે પસંદગી માટે તેમના નામ પણ આપી શકે છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ અનુસાર કેન વિલિયમસન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં ન્યુઝીલેન્ડની બાકીની આઠ મેચો માટે ઉપલબ્ધ રહેશે. આ ચેમ્પિયનશિપમાં ન્યુઝીલેન્ડ ફરી એકવાર ફાઈનલ રમવાનો પ્રયાસ કરશે. જે આવતા વર્ષે જૂનમાં લોર્ડ્સમાં રમાશે.