January 5, 2025

લિલિયામાં ટ્રેનની અડફેટે સિંહનું મોત, બે વર્ષમાં 9 સિંહના અકસ્માતમાં મોત

દશરથસિંહ રાઠોડ, અમરેલી: દેશની આન બાન અને શાન ગણાતા સિંહોની હાલત શ્વાન કરતા બદતર બની હોય તેમ અવારનવાર રેલ્વે ટ્રેક પર સિંહોના અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે. ગત રાત્રે મહુવા સુરત પેસેન્જર ટ્રેનની અડફેટે એક 9 થી 10 વર્ષનો સિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયહો હતો. જેનું આજે મોત થયું છે. હાઇકોર્ટે દ્વારા રેલ્વે તંત્ર અને વનતંત્રને સિંહોની સુરક્ષા વધારવાની સૂચનાઓ હોવા છતાં દેશની શાન સમા સિંહો અકસ્માતે મોતને ભેટી રહ્યાં છે અને વનવિભાગ ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા નીકળ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે.

અમરેલી જિલ્લાના રેલ્વે ટ્રેક પર અત્યાર સુધીમાં 8 સિંહો ટ્રેનની અડફેટે કપાઈને મોતને ભેટી ચૂક્યા છે જેમાં 2022 – 23 માં રેલવે ટ્રેક પર ટ્રેન હેડફેટે 5 સિંહના મોત નીપજ્યા હતા. તો ચાલુ વર્ષમાં 2023 – 24 માં 3 સિંહના મોત નીપજ્યા. જેમાં 2 શેત્રુંજી ડિવિઝનમાં અને 1 ધારી ગીર પૂર્વ વન વિભાગમાં સિંહના મોત અકસ્માતે નીપજ્યાં છે. આ ચોથી ઘટના લીલીયામાં સિંહ અકસ્માતની બની છે ત્યારે સિંહ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અમરેલી જિલ્લાના લિલિયાથી લઈને રાજુલાના પીપાવાવ પોર્ટ સુધીનો રેલ્વે ટ્રેક સિંહો માટે મોતનો ટ્રેક બની ગયો છે. ત્યારે, વનવિભાગ દ્વારા સિંહોને બચાવવામાં ફરી વાર વામણું પુરવાર થયું હોય તેમ શેત્રુજી ડિવિઝન પાલીતાણાના DCF જયંત પટેલ આજે લિલિયા રેલ્વે ટ્રેક પર પહોંચ્યા હતા અને સિંહના ટ્રેનની અડફેટે મોતની વિગતે જાણકારી આપી હતી.

ગઈકાલે લિલિયાથી 28 કિલોમીટર દૂર હાથીગઢ ભેસાણ વચ્ચે મહુવા સુરત 20956 નંબરની ટ્રેઈન અડફેટે 9 થી 10 વર્ષનો સિંહ મોતને ભેટ્યો હતો જ્યારે આ રેલ્વે ટ્રેક પર ટ્રેઈન ધીમી ચલાવવાની નામદાર હાઇકોર્ટેની સૂચના હોવા છતાં ટ્રેઈન અકસ્માતમાં સિંહો મોતને ભેટી રહ્યા છે અને વનવિભાગ હવે સિંહો મોતના કારણ શોધી રહી છે.