ગ્રંથપાલ દિવસ: બહાઉદ્દીન કોલેજના ઐતિહાસિક ગ્રંથાલયમાં યોજાઈ પુસ્તક પ્રદર્શની
સાગર ઠાકર, જુનાગઢ: આજે 12 ઓગસ્ટ એટલે ગ્રંથપાલ દિવસ, ગ્રંથાલય વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા ડો. એસ.આર. રંગનાથનના જન્મદિવસને રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં ગ્રંથપાલ દિવસની ઉજવણી કરવામાં આવી, કોલેજના ઐતિહાસિક ગ્રંથાલયમાં પુસ્તક પ્રદર્શની યોજાઈ જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં અમુલ્ય કહી શકાય તેવું ગ્રંથાલય આવેલું છે, અત્યંત દુર્લભ પુસ્તકો સાથે અંદાજે 55 હજારથી વધુ પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે, હસ્તલીખીત પ્રતો અને સુવર્ણથી મઢેલા ટાઈટલ વાળા દુર્લભ પુસ્તકોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ આ પુસ્તકરૂપી અમુલ્ય વારસાને જાણે તથા તેના અભ્યાસમાં ઉપયોગ કરે તે હેતુ ગ્રંથપાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
બહાઉદ્દીન કોલેજ સદી વટાવી ચૂકેલું બેનમૂન કલાકૃતિ ધરાવતું એકમાત્ર એવું શૈક્ષણિક સંકુલ છે કે જેનો પાયો નંખાયો ત્યારથી જ તેનો ઉદ્દેશ્ય નિશ્ચિત હતો, આ કોલેજમાં હેરિટેજ ઉપરાંત કોલેજની લાઈબ્રેરી પણ અદભૂત છે, આ લાઈબ્રેરીમાં 55 હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે. બહાઉદ્દીન કોલેજની લાઈબ્રેરીમાં અનેકવિધ દુર્લભ પુસ્તકો છે, જૂનવાણી કલાત્મક કબાટમાં અતિ દુર્લભ કહી શકાય તેવા સુવર્ણથી મઢેલા ટાઈટલ ધરાવતા ઐતિહાસિક પુસ્તકો અને હસ્ત લીખીત પ્રતો સાથે ઇતિહાસની ઝાંખી કરાવતા ફોટો આલ્બમ પણ છે.
આ તમામ દુર્લભ પુસ્તકોનું અહીં જતન થાય છે, તેની કાળજી લેવાય છે અને તેની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં લાઈબ્રેરીમાં જે પુસ્તકો ઉપલબ્ધ છે તે માસ્ટર ડીગ્રી અને સંશોધનના વિષયો પર અભ્યાસ કરતાં વિધાર્થીઓ માટે તો એક દુર્લભ ખજાના સમાન છે જ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી એવું તમામ સાહિત્ય લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે.
વર્તમાન સમયમાં પુસ્તકોનું મહત્વ ઘટતું જાય છે, લોકો મોબાઈલ તરફ વળ્યા છે અને માહિતી માટે લોકો પુસ્તકો કરતાં મોબાઈલનો ઉપયોગ વધુ કરતાં જોવા મળે છે, વાસ્તવમાં જે માહિતી પુસ્તકોમાં ઉપલબ્ધ છે તે વિશ્વના કોઈ ખુણામાં ઉપલબ્ધ નથી અને તેમાં પણ જો જૂના પુસ્તકો ક્યાંય મળી રહે તો તે બહાઉદ્દીન કોલેજનું ગ્રંથાલય છે કે જ્યાં દુર્લભ પુસ્તકોનો ખજાનો ઉપલબ્ધ છે.
આજે ગ્રંથપાલ દિવસની ઉજવણી નો ઉદેશ્ય એ જ હતો કે વિદ્યાર્થીઓ પુસ્તકોને જાણે અને તેનો ઉપયોગ કરે જે તેના ન માત્ર અભ્યાસ પરંતુ તેના આત્મજ્ઞાન માટે પણ જરૂરી છે અને પુસ્તકો વંચાય તે જ ગ્રંથાલય સાચો ઉદેશ્ય સાર્થક થાય. બહાઉદ્દીન કોલેજના ગ્રંથાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણીમાં કોલેજના વિદ્યાર્થીઓએ પુસ્તક પ્રદર્શની નિહાળી હતી અને પુસ્તકોના મહત્વને જાણ્યું હતું. આ સમૃદ્ધ ગ્રંથાલય બહાઉદ્દીન કોલેજ ની શાન છે કોલેજનું એક નજરાણું છે કે જ્યાં ન માત્ર વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો પરંતુ એક ઐતિહાસિક ધરોહર ની જાળવણી પણ થઈ રહી છે.