December 19, 2024

પાલનપુરમાં ભારતના બીજા નંબરના થ્રિ લેગ એલિવેટેડ બ્રીજનું લોકાર્પણ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રિય ધોરીમાર્ગ 58 અને રાષ્ટ્રિય ધોરીમાર્ગ 27 પર એલ.સી. 165 પર રૂ.89.10 કરોડના ખર્ચે નવનિર્મિત “રેલવે ઓવરબ્રિજ” નિર્માણ કરવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ સમારોહ ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે એટલે કે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટમંત્રી બળવંતસિંહ રાજપુત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.

17 મીટર ઊંચાઈ પર રોટરી વાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે. જયારે ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે. આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નઈમાં બન્યો હતો. આ બ્રિજની વિશેષતાઓએ છે કે બ્રિજમાં 16000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે. પાલનપુર અને આબુરોડ તરફ 1700 મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે જયારે પાલનપુર અને આબુરોડ તરફ બે લાઈન અને અંબાજી તરફ ફોરલાઇન લેગ બનાવવામાં આવ્યા છે. જીપી કસ્ટ્રકશન કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે.

આ આખો બ્રિજ 79 પિલ્લર પર ઉભો છે. જેમાં 84 મીટરના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યુ છે. આ બ્રિજમાં કુલ 180 ગડર કોક્રિટના છે અને 32 ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે. પેરફીટ સાથે આ બ્રિજની ઊંચાઈ 18 મીટર છે. આ બ્રિજ પર આબુરોડથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને પાલનપુર થી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે. બ્રીજના વિવિધ સ્થળો ઉપર દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. બ્રિજના ઉદ્ઘાટનને લઈને બ્રિજને રોશનીથી સજાવવામાં આવતા શહેરીજનોમાં બ્રિજના ઉદ્ઘાટનને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. આ બ્રિજના લોકાર્પણથી લોકોને અવરજવરથી સુવિધા સાથે ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે.