November 25, 2024

પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ પંચ મહાભૂતમાં વિલીન

વડોદરા: ભારતના પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું કેન્સર સાથે લાંબી લડાઈ બાદ બુધવારે અવસાન થયું છે. તેમણે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે વડોદરા ખાતે પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો સાથે સાથે પૂર્વ ક્રિકેટરની અંતિમ વિધિમાં તેમના ક્રિકેટ જગતના તેમના ખાસ મિત્રો અને BCCI પ્રમુખ પણ પહોંચ્યા હતા.

 

ગાયકવાડે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. તેઓ 2000 આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રનર-અપ થનારી ભારતીય ટીમના કોચ પણ હતા. ગાયકવાડ ગયા મહિને દેશમાં પરત ફર્યા તે પહેલા લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. અંશુમન ગાયકવાડનાં અવસાનથી પરિવાર શોકમગ્ન બની ગયો હતો. ત્યારે, આજે વડોદરામાં પુર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડની અંતિમવિધિ કરાઈ હતી. વડોદરાના કીર્તિ મંદિર ખાતે અંશુમન ગાયકવાડનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અંતિમ વિધિમાં જોડાયા વડોદરાના પૂર્વ ક્રિકેટર
અંશુમન ગાયકવાડનાં અંતિમ સંસ્કારમાં વડોદરા સહિત ક્રિકેટ જગતના અનેક દિગ્ગજ લોકો હાજર રહ્યા હતા. BCCI પ્રમુખ રોજર બિન્ની પણ મિત્રની અંતિમવિધિમાં પહોંચ્યાં હતા. અંશુમન ગાયકવાડ અને રોજર બિન્ની સાથે ક્રિકેટ રમ્યા હતા. તો સાથે સાથે, કિરણ મોરે, નયન મોંગિયા પણ હાજર રહ્યા હતા. વધુમાં, વડોદરાના સ્ટાર ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણનાં પિતા મહેમુદ પઠાણ પણ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Anshuman Gaekwad: ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડનું કેન્સરથી નિધન

પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનાં અંતિમ વિધિમાં ક્રિકેટ જગતની સાથે સાથે રાજકીય હસ્તીઓ પણ પહોંચી હતી. ગુજરાત વિધાનસભા દંડક બાળુ શુક્લ અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ પણ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા.

BCCIએ મદદ કરી હતી
તાજેતરમાં જ BCCIએ ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયાની સહાયની રકમ જાહેર કરી હતી. ત્યાં જ 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોએ પણ ક્રિકેટરને મદદ કરી હતી. ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 205 ફર્સ્ટ ક્લાસ મેચો પણ રમી હતી. બાદમાં તેમણે ભારતીય ટીમના કોચનું પદ સંભાળ્યું હતું. 1998માં શારજાહ ખાતે અને ફિરોઝશાહ કોટલામાં એક ટેસ્ટ મેચમાં આવ્યા હતા, જ્યારે અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન સામેની એક ઇનિંગમાં તમામ 10 વિકેટો લીધી.

હરભજન સિંહે ગાયકવાડના નેતૃત્વમાં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેમણે રાષ્ટ્રીય પસંદગીકાર તરીકે પણ સેવા આપી હતી, બરોડા ક્રિકેટ એસોસિએશનનું નેતૃત્વ કર્યું હતું અને બીમાર પડતાં પહેલાં તેઓ ICA પ્રતિનિધિ તરીકે BCCI એપેક્સ કાઉન્સિલના સભ્ય હતા.