November 22, 2024

ગ્લોબલ વોર્મિંગે ખેડૂતોની મહેનત પર લગાવ્યું ગ્રહણ, નવસારીની અમલસાડ મંડળી બંધ રખાઈ

જીગર નાયક, નવસારી: ગ્લોબલ વોર્મિંગએ દેશ અને દુનિયા માટે પ્રશ્ન બની ગયો છે. જેની સીધી અસર હાલના વાતાવરણ પર દેખાઈ રહી છે. નવસારી જિલ્લાના ગણદેવી આવેલી સૌથી મોટી અમલસાડ મંડળી સિઝનમાં પ્રથમ વાર બંધ રાખવાની ફરજ પડી છે.

બાગાયતી પાકોમાં મોટી નુકશાની
ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણને અસ્તવ્યસ્ત કરી રહી છે. જેની સીધી અસર ખેત ઉત્પાદન પર થાય છે. છેલ્લા થોડા વર્ષોથી ઠંડી અને ગરમીના તફાવતમાં બાગાયતી પાકોમાં મોટી નુકશાની જોવા મળી હતી. પરંતુ ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને તેના કારણે નવસારીની લોકમાતા અંબિકા આવેલા ઘોડાપૂરને કારણે નંદનવન ગણાતા ગણદેવી તાલુકામાં ચીકુના ઉત્પાદન પ્રભાવિત થયુ છે.

ખેડૂતોને ભાવની ચિંતા
જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદમાં ચીકુના ફૂલોનું વધુ પડતું ખરણ થયું હતું. સાથે જ વરસાદ અને પુરના પાણીને કારણે ચીકુના વૃક્ષોને નુકશાન તેમજ ફૂગ અને જીવાત લાગી જતા પણ ફળનું બેસાણ ઓછું રહ્યું, જેને કારણે ચીકુનુ ઉત્પાદન ધારવા કરતા 4 ગણું ઓછું આવ્યુ છે. જેની સામે ખેડૂતોને મજૂરોની મજૂરી મોંઘી પડી રહી છે. જેથી આ વર્ષે ખેડૂતોએ મોટુ આર્થિક નુકશાન સહન કરવા પડશે. આ વખતે લાભ પાંચમથી ચીકુની ખરીદી તો શરૂ કરવામાં આવી પરંતુ પાક ઓછો હોવાના કારણે 15 દિવસ માટે મંડળી બંધ રાખવાનું નિર્ણય લેવામાં આવ્યો છે . ત્યારબાદ પણ ચીકુના પૂરતા પ્રમાણમાં આવક ના થતા ફરી એકવાર વલસાડ મંડળીએ ચીકુની ખરીદી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ચીકુની ખરીદી બંધ રહેતા ખેડૂતોને ભાવોની ચિંતા સતાવી રહી છે.

આ પણ વાંચો: પ્લોટ વેચીને પૈસા કમાશે રાજકોટ મનપા, પ્રાઈમ લોકેશનના 9 પ્લોટ વેચશે

પાકને થયું નુકસાન
ગણદેવી તાલુકામાં આવેલી અમલસાડ મંડળી દર વર્ષે 10 લાખ મેટ્રિક ટન જેટલા ચીકુ દિલ્હી મુંબઈ રાજસ્થાન જેવાં રાજ્યોમાં મોકલે છે. જેને માટે સ્પેશ્યલ ટ્રેનની સુવિધા પણ કરવામાં આવી છે. પરંતુ આ વખતે ચીકુનો પાક ઓછો હોવાના કારણે આ પાક 50 ટકા જેટલો ઓછો ઉતારવાની અત્યારે મંડળીના હોદ્દેદારો અને ખેડૂતોની ગણતરી દેખાઈ રહી છે. ગણદેવી તાલુકામાં સૌથી વધારે ચીકુનું ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે વધુ પડતો વરસાદ અને ભેજવાળું વાતાવરણ રહેતા હજી સુધી ચીકુમાં પૂરતા પ્રમાણમાં ફ્લાવરિંગ આવ્યું નથી. જેથી આ વખતે પાક જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે.