January 26, 2025

લેન્ડ ગ્રેબિંગ એક્ટ: સુરત શહેર પોલીસ દ્વારા 17 FIR દાખલ, 23 આરોપીઓની ધરપકડ કરાઇ

અમિત રૂપાપરા, સુરત: રાજ્ય સરકાર દ્વારા લોકોની જમીન, મકાન, દુકાન અને અન્ય મિલકત પચાવી લેનારા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટના ચુકાદા બાદ આ કાયદાની અસરકારકતા વધી છે. ત્યારે, સુરત શહેર પોલીસ દ્વારા આ કાયદા અંતર્ગત 17 FIR દાખલ કરવામાં આવી છે અને 29 પૈકી 23 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આ બાબતે 9 એફઆઇઆર દાખલ કરી છે.

આ ફરિયાદ દાખલ થયા બાદ સુરત શહેરના 23 અને ગ્રામ્યના 20 ગેરકાયદેસર કબજાધારક હોય જે તે મિલકતનો કબજો કર્યો હોય તે મૂળ માલિકને પરત કરી હતી. ત્રણ મહિનામાં 232 અરજીનો સુખદ અંત આવ્યો હતો. 12 અરજીમાં ફરીથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને 163 અરજી કાયદામાં સુસંગત ન હોવાથી તેને દફ્તરે કરવામાં આવી છે. આમ સુરત શહેર તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તરફ કાર્યવાહી કરતા અંદાજિત 152 કરોડની સંપતિ મૂળ માલિકોને પરત મળી છે.

રાજ્ય સરકાર દ્વારા લોકોની જમીન મકાન દુકાન પચાવી પાડનારા ઈસમો સામે કાર્યવાહી કરવા માટે વર્ષ 2020માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા કાયદામાં ઓછામાં ઓછી લોકોની મિલકત પચાવનારને 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ નામદાર હાઇકોર્ટમાં દાખલ થયેલી એસ.સી.એ બાદ 9 5 2024ના રોજ ચુકાદો આવતા આ કાયદાની અસરકારકતા વધી હતી અને અસામાજિક પ્રવૃત્તિ પર રોક લગાવવાની કામગીરી તેજ બની હતી.

લેન્ડગ્રેબિંગ એક્ટ સમિતિ દ્વારા સુરતમાં 13 માર્ચ 2024, 5 જુલાઈ 2024 અને 23 જુલાઈ 2024ના રોજ બેઠક મળી હતી. આ ત્રણ બેઠકમાં 244 જેટલી અરજી જમીન મકાન પચાવી પાડનારા વિરુદ્ધ થઈ હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ 244 અરજીઓની તપાસ કરી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 17 અને ગ્રામ્યમાં 9 ગુના કબજાધારકો સામે દાખલ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ કબજાધારકો સામે કાર્યવાહી થતાં અન્ય કબજાધારકોએ કાયદાના ડરના કારણે સુરત શહેરમાં 23 તેમજ ગ્રામ્યમાં 20 જમીન, ફ્લેટ, દુકાન, મકાનોના કબજા મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા.

તો બીજી તરફ લેન્ડગ્રેબિંગ એક્ટ સમિતિની તપાસ દરમિયાન 163 અરજી કાયદા સુસંગત ન હોવાથી દફ્તરે કરવામાં આવી હતી. 3 મહિનામાં કુલ 232 અરજીનો સુખદ નિકાલ લાવવામાં આવ્યો હતો અને 12 અરજીઓમાં સમિતિ દ્વારા ફરીથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 17 ગુના દાખલ થયા છે તેમાં 29 આરોપીમાંથી 23 આરોપીને પકડવામાં સુરત પોલીસને સફળતા મળી છે અને અન્ય આરોપીને પકડવા બાબતે સુરત શહેર પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓના વતન સુધી તપાસ કરવા પહોંચી છે.

લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ જે FIR થઈ છે તે બાબતની તપાસ એસીપી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. તો જે ફરિયાદો થઈ છે તેમાં હજીરા પોલીસ સ્ટેશનમાં 3, અઠવા અને અડાજણ પોલીસ સ્ટેશનમાં 2-2, કાપોદ્રા, સરથાણા, સલાબતપુરા, ડીંડોલી, ઉમરા, ખટોદરા, પાંડેસરા, સચિન, રાંદેર અને જહાંગીરપુરામાં એક-એક ગુના દાખલ થયા છે.

આ ગુનાઓમાં જમીનના 5 ફ્લેટ, 5 દુકાનના, 3 પ્લોટના, 2 મકાનના કેસો સામે આવ્યા છે. તો સુરત ગ્રામ્યમાં 8 FIR દાખલ થઈ છે. સુરત શહેરની અંદાજિત 25 કરોડ તેમજ જિલ્લાની અંદાજિત 7 કરોડની મિલકત મળી 32 કરોડની મિલકતો અરજદારોને પરત સોપાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત તપાસ દરમિયાન કાયદાના ડરથી ચાલુ તપાસ દરમિયાન સુરત શહેરમાં 29 તેમજ ગ્રામ્યમાં 43 એમ કુલ 72 ગેરકાયદેસર કબજાધારકોએ મિલકત મૂળ માલિકને પરત સોંપી છે અને આ મિલકતોની કિંમત 120 કરોડ રૂપિયા થાય છે. એટલે કુલ 152 કરોડ રૂપિયાની સંપતિ મૂળ માલિકોને પરત સોંપવાની કાર્યવાહી સુરત શહેર પોલીસ અને જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે.