October 7, 2024

લદ્દાખમાં શા માટે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે? શું છે તેમની માંગ?

નવી દિલ્હીઃ લદ્દાખમાં બે દિવસથી કડકડતી ઠંડીમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે, લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કરવામાં આવી હતી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. જેમાં લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. હવે લોકો આ રાજ્યને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકોની માંગ છે કે લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને બંધારણની છઠ્ઠી સૂચિ લાગુ કરવામાં આવે. લદ્દાખ માટે બંધારણીય સુરક્ષા પગલાં માટે અભિયાન ચલાવી રહેલા સોનમ વાંગચુકે સોમવારે કહ્યું હતું કે તેઓ તેમની માંગણીઓ માટે 19 ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ શરૂ કરશે. બીજી બાજુ સામાજિક કાર્યકર્તા વિજેતા સોનમ વાંગચુકે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ કરવાની ચેતવણી આપી છે. વિરોધનું નેતૃત્વ લેહ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

મુખ્ય માંગણીઓમાં કોનો ઉલ્લેખ છે?
લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ અને બંધારણની છઠ્ઠી સૂચિ લાગુ કરવી જોઈએ. તેમજ લેહ અને કારગીલને સંસદમાં અલગ-અલગ બેઠકો આપવી જોઈએ. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યા પછી જ તેમની માંગણીઓ પૂરી થશે અને તેઓ તેમના રાજ્ય માટે પ્રતિનિધિઓ પસંદ કરી શકશે. લદ્દાખમાં બંધારણની છઠ્ઠી સૂચિ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના આદિવાસી વિસ્તારોમાં જે નિયમો લાગુ છે તેને લદ્દાખમાં પણ લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

કયા સુધારાની માંગ કરવામાં આવી રહી છે?
લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સના પ્રતિનિધિઓએ થોડા દિવસો પહેલા સરકારને એક વિસ્તૃત મેમોરેન્ડમ આપ્યું હતું જેમાં લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 માં સુધારો કરવા માટે એક બિલ તૈયાર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ મેમોરેન્ડમ ગૃહ મંત્રાલયને સુપરત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ 19 ફેબ્રુઆરીએ બંને પક્ષોના પ્રતિનિધિઓ સાથે બીજા તબક્કાની વાતચીત કરવાની જાહેરાત કરી હતી. આમ છતાં આ બંને સંગઠનોએ લદ્દાખ બંધ પાળ્યો હતો. કેન્દ્રએ લદ્દાખના લોકોની માંગણીઓ પર વિચાર કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના નેતૃત્વમાં એક ઉચ્ચ સત્તાવાળી સમિતિની રચના કરી છે. ડિસેમ્બરમાં, કેન્દ્રએ લદ્દાખમાં તેની પ્રથમ બેઠક યોજી હતી અને લેહ અને કારગીલના બંને સંગઠનોને તેમની માંગણીઓ રજૂ કરવા કહ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ લદ્દાખના બે પ્રદેશો – લેહ અને કારગીલનું પ્રતિનિધિત્વ કરતી બે સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી તે દરમિયાન આ મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું.