મારો વોર્ડ – મારી સમસ્યા: ચાણસ્માના ઇન્દિરા નગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
ભાવેશ ભોજક, ચાણસ્મા: ચાણસ્માના ઇન્દિરા નગરમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, તો પીવાનું પાણી પણ પૂરતા ફોર્સથી મળતું નથી. ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાય છે, તો રખડતા ઢોરોના ત્રાસ જોવા મળી રહ્યો છે. ઇન્દિરા નગરના રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળતી ન હોવાથી રહીશોમાં વહીવટી તંત્રના અધિકારીઓ અને સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે.
ચાણસ્મા ખાતે વોર્ડ નંબર 2માં આવેલ ઇન્દિરા નગરના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે. આ વિસ્તારમાં અંદાજે 500થી વધુ મકાનો આવેલા છે. ત્યારે અહીં પીવાનું પાણી પૂરતા ફોર્સથી મળતું નથી. તેથી લોકોને પાણી માટે મોટરોનો ઉપયોગ કરવો પડે છે. મોટરોના ઉપયોગથી વીજ બિલનું પણ મોટું ભારણ રહીશોને ભોગવવુ પડે છે. તો બીજી તરફ ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારના લોકો ને ચોમાસામાં ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે અને જીવના જોખમે કેડ સમા પાણીમાં થઈને લોકો અવરજવર કરે છે.
અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વહીવટી તંત્રના અધિકારીઓ કે શાસક પક્ષના સભ્યો દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. સત્તાઓ બદલાઈ નગરસેવકો બદલાયા પણ વર્ષોની જે વરસાદી પાણીના નિકાલની સમસ્યાનું નિરાકરણ આજદિન સુધી કરવામાં આવ્યું નથી. જેથી રહીશો હાલાકીયો વેઠી રહ્યા છે. ઇન્દિરા નગરમાં દશા માતાનું મંદિર આવેલું છે પણ મંદિર આસપાસ રખડતા ઢોરોનો અડીંગો હોવાથી પશુઓના મળમૂત્રને કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. રખડતા ઢોરોને ડબ્બે કરવામાં પણ નગરપાલિકા નિષ્ફળ નીવડી છે.
ગંદકીને કારણે મંદિરમા દર્શનાર્થે જવું પણ મુશ્કેલ બને છે. તો ભૂગર્ભ ગટર પણ વારંવાર ચોકપ થવાથી તેનું દુષિત અને ગંદુ પાણી માર્ગો ઉપર રેલાય છે. તેથી આ વિસ્તારના લોકો વારંવાર બીમારીઓનો ભોગ પણ બને છે તેમ છતાં સત્તાધિશો દ્વારા કોઈપણ જાતની નક્કર કામગીરી કરવામાં આવતી નથી.