સોનાના નામે છેતરપિંડી કરતા 4 આરોપી સામે મોટી કાર્યવાહી, કચ્છ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો

નીતિન ગરવા, ભુજઃ રાજ્ય જ નહીં પણ દેશભરમાં સસ્તા સોનાને નામે ઠગાઈનો બનાવ બને એટલે તેમાં ભુજના ચીટરોના નામ મોખરે હોય. એવામાં હવે પશ્ચિમ કચ્છ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 19 ગુનાને અંજામ આપનારા ચીટરો સામે કાયદાનો ગાળિયો કસી સોશિયલ મીડિયા અને ફેસબુક સહિતના માધ્યમોથી જાહેરાતો કરી વેપારી અને ધંધાર્થીઓ પાસેથી રૂપિયા પડાવવાનો કીમિયો આચરનારા ચાર વ્યક્તિ સામે LCBએ ગુજસીટોક એક્ટ પ્રમાણે ફરિયાદ દાખલ કરી છે.

પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુડાએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ભુજના રહીમનનગરમાં રહેતા આરોપી સિકંદર મૌલાના, જુસબ ઈસ્માઈલ સોઢા, મીઠુ નુરમામદ સોઢા, ઝાકીર ઉર્ફે જાકીરીયો મહમદ હનીફ સોઢા અને અમીન મહમદ હનીફ સોઢા વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાવ્યો છે. ચારેય આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ આચરવા સાગરીતો સાથે મળી સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવી હતી.

ગેરકાયદેસર પ્રવૃત્તિને આજીવિકાનું સાધન બનાવનારા આરોપીઓ સામે પશ્ચિમ કચ્છના માનકુવા, ભુજ શહેર A અને B ડિવિઝન, આહવા, પોરબંદરના કમલાબાગ, માંડવી મરીન અને માધાપર પોલીસ મથકમાં કુલ 19 જેટલા ગુના નોંધાયેલા છે. ચીટર ટોળકી સોશિયલ મીડિયા અને ફોન મારફતે લોકોને સસ્તામાં સોનું આપવાની જાળમાં ફસાવતી હતી અને રૂપિયા પડાવી લીધા બાદ સોનું કે રૂપિયા પરત ન આપી ઠગાઈ અને લૂંટના બનાવને અંજામ આપતી હતી. સંગઠિત ગુના આચરતી ટોળકીને અટકાવવા માટે પોલીસે ચાર ઈસમો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.