December 19, 2024

કચ્છમાં મંદિરોમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 6ની ધરપકડ

ભુજઃ જિલ્લાના ચિત્રોડ અને કાનમેર ગામના મંદિરમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે 6 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ 3.64 લાખ રૂપિયાનો કુલ મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.

જિલ્લા રેન્જ આઇજી સાગર બાગમારના આદેશ બાદ મંદિરોમાં ચોરી કરનારી ગેંગને પકડવા સીટની રચના કરવામાં આવી હતી અને આરોપીને પકડી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્યારે ટેક્નિકલ સર્વેલન્સના આધારે માહિતી મેળવી હતી કે આરોપીઓ રાજસ્થાન બાજુ નાસી ગયા છે. ત્યારબાદ પોલીસની અલગ અલગ ટીમને રાજસ્થાન રવાના કરવામાં આવી હતી.

રાજસ્થાનના જંગલોમાં રાત્રિના સમયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગરાસીયા ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ ફરાર છે.

આરોપીનાં નામ

કમલેશ અનારામ ગરાસીયા
રમેશ બાબુરામ ગરાસીયા
જીતેન્દ્ર સુનારામ ગરાસીયા
સુરેશ શંકર ગરાસીયા
જયરામ જેનીયા ગરાસીયા
સુરેશ શાંતિલાલ સોની