November 21, 2024

કચ્છ પાટીદાર સંઘર્ષ સમિતિએ કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહીની કરી માંગ

નીતિન ગરવા, ભુજ: કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિષે આપેલ નિવેદન લઈને ભારે વિરોધ થઈ રહયો છે. સુરત ખાતે સામાજિક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓના વિધર્મીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

પાટીદાર સમાજની દીકરીઓ પર અભદ્ર નિવેદન કરવા બદલ કાજલ હિન્દુસ્તાની સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કચ્છ પાટીદાર સંઘર્ષ સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું. ભુજ ખાતે કલેકટરને આવેદન પત્ર પાઠવી કાજલ હિન્દુસ્તાની સામે ગુન્હો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સામાજિક કાર્યક્રમમાં મંચ પરથી કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર દીકરીઓ વિષે કરેલ નિવેદનની ઘટના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે જેને લઈને કચ્છમાં પણ અલગ અલગ જગ્યાએ આવેદન પત્ર પાઠવી તેના સામે પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી છે. કાગઇકાલે પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં અરજી બાદ આજે પશ્ચિમ કચ્છ જિલ્લાના માધાપર પોલીસ સ્ટેશનમાં અરજી આપી તેના સામે ફરિયાદ નોંધવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. સાથેજ આગામી દિવસોમાં કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી નહીં માંગે તો સમાજ તેનો વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.