November 22, 2024

નખત્રાણામાં રસ્તાઓ નદીમાં ફેરવાયાં, સમગ્ર શહેરમાં જળબંબાકાર

કચ્છઃ જિલ્લાના નખત્રાણામાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે ભારે વરસાદથી નખત્રાણા પાણી-પાણી થયું છે. ભારે વરસાદને પગલે બજારો નદીમાં ફેરવાઈ ગયા છે. નખત્રાણા-ભુજ હાઇવે પર ટ્રાફિક જામનો માહોલ સર્જાયો છે. નખત્રાણા વચ્ચેથી પસાર થતાં વોકળાઓમાં પણ પાણી વહેતું થયું છે.

સાબરકાંઠામાં પહેલા વરસાદે જ નદીમાં પૂર આવ્યું
જિલ્લામાં પ્રથમ વરસાદે જ હરણાવ નદીમાં પૂર આવ્યું છે. ત્યારે વિજયનગર સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. જેને કારણે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે. વરસાદને પગલે સ્થાનિક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. રાજસ્થાનના ગણેશવાસ, આંબાપીળી, સરવણમાળા સહિતનાં ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હરણાવ નદીમાં પૂર આવતા પોળો ફોરેસ્ટમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠશે.

આ પણ વાંચોઃ કપડવંજમાં કરંટ લાગતા મહિલાનું મોત, બે બાળકો નોંધારા બન્યાં

ખંભાળિયાના કેશોદ ગામમાં વીજળી પડતા એકનું મોત
ખંભાળિયાના કેશોદ ગામના સીમ વિસ્તારમાં વીજળી પડતા એકનું મોત નીપજ્યું છે. ગાજવીજ સાથે વરસાદ હોવાથી વીજળી પડી હતી. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. 50 વર્ષના બાલુભાઈ આવડ નામના વ્યક્તિ વાડીમાં કામ કરી રહ્યા હતા અને તે સમયે જ વીજળી પડતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ દ્વારકામાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર, વીજળી પડતા શ્રમિકનું મોત

વીજળી પડતા ત્રણ પશુઓનાં મોત
ખંભાળિયાના કેશોદમાં વીજળી પડતા 3 પશુનાં મોત નીપજ્યા છે. વરસાદી વાતાવરણમાં પંથકમાં વીજળી પડવાના બનાવો સામે આવ્યાં છે. પશુ પાલકની 3 ભેંસો પર વીજળી પડતા મોત નીપજ્યા છે. મોંઘીદાટ ભેંસોના મોત નીપજતા પશુપાલક પરિવારમાં ગમગીની છવાઈ ગયો છે. પૂંજાભાઈ સવદાસભાઈ ડેર નામના ખેડૂતની ત્રણ ભેંસોનાં મોત નીપજ્યા છે.