September 8, 2024

મુન્દ્રાના ગુંદાલા ગામે વીજશોકથી 3 ગાયનાં મોત, PGVCLની ગંભીર બેદરકારી

કચ્છઃ જિલ્લાના મુન્દ્રાના ગુંદાલા ગામે વીજશોકના કારણે 3 ગાયોનાં મોત નીપજ્યા છે. પીજીવીસીએલની લાઇટ ડીપી પાસે ગાયોને કરંટ લાગ્યો હોવાની ઘટના બની હતી. ત્યારે ત્રણેય ગાયના મોત નીપજ્યા છે.

વહેલી સવારે વરસાદી માહોલમાં પીજીવીસીએલની લાઇટ ડીપી પાસે ગાયને કરંટ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં માલધારી જાકબ ઓઢેજાની 3 ગાય મોતને ભેટી છે. પશુનાં મોતથી માલધારી પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે.

ગઈકાલે પણ બની હતી દુર્ઘટના
કચ્છના અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં વીજળી પડતા 20 ઘેટાં-બકરાંના મોત નીપજ્યા છે. ગામની સીમમાં વીજળી પડી હતી. અંદાજે રાતના સાડા આઠ વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો. જેમાં શંકર મહેશ્વરી નામના માલધારીના ઘેટાં-બકરાંનું મોત થયું હતું. ત્યારે એકસાથે 20 પશુઓ મોતને ભેટતા ગરીબ માલધારી પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ હતી.

આ પણ વાંચોઃ રાજ્યમાં 3 જગ્યાએ વીજળી પડતા 21 પશુ સહિત એક બાળકનું મોત

સાણંદમાં એક પશુનું મોત
અમદાવાદના સાણંદ તાલુકાના પલવાડા ગામે વીજળી પડવાની ઘટના સામે આવી હતી. જેમાં એક પશુનું મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન, ભાખરવડ ડેમ ઓવરફ્લો; ધરતીપુત્રોમાં આનંદ

ઠાસરામાં એક બાળકનું મોત
ખેડાના ઠાસરામાં આવેલા દીપકપુરા ગામે વીજળી પડતાં 1 બાળકનું મોત નીપજ્યું છે. ગામના સીમ વિસ્તારમાં 13 વર્ષીય બાળક પર વીજળી પડી છે. જેમાં અન્ય 2 જેટલા લોકો ઘાયલ થયા છે. ખેતરમાં ડાંગરનું ધરું રોપતા હતા. તે સમયે અચાનક જ વીજળી પડી હતી. ત્યારે ધોરણ 8માં અભ્યાસ કરતા અજય રાઠોડ નામના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે મહેન્દ્ર રાઠોડ અને અરવિંદ રાઠોડ ઘાયલ થતાં તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.