November 5, 2024

Kutchના નાના રણમાં ઘુડખરની વસતિ ગણતરીનો પ્રારંભ, સંખ્યામાં વધારો થવાની શક્યતા

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તેમજ ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા રણ વિસ્તારને કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. જેમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્યમાં વસવાટ કરતા ઘુડખર એશિયામાં ફક્ત અહીં જ જોવા મળે છે. ત્યારે રાજ્ય સરકારના વન વિભાગ અભ્યારણ્યમાં ઘુડખરની વસતિ ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ગણતરી બે દિવસ સુધી ચાલશે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા કચ્છના નાના રણનો વિસ્તાર અંદાજે 4953 ચોરસ કિલોમીટરમાં ફેલાયો છે. આ રણ વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે. જેમાં આવેલા શિડ્યુલ વન કક્ષાનું પ્રાણી ઘુડખર એશિયામાં ફકત આ અભ્યારણ્યમાં જ જોવા મળે છે. ત્યારે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વર્ષોથી ઘુડખરની ગણતરી સહિતની બાબતોની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ઘુડખર સહિતના પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે.

ત્યારે ચાલુ વર્ષે ઘુડખરની ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે ગણતરી બે દિવસ સુધી ચાલશે. અત્યાર સુધીમાં નવ વખત આ ગણતરી કરવામાં આવી છે. છેલ્લે વર્ષ 2020માં ઘુડખરની ગણતરી કરવામાં આવી હતી. તે વખતે ઘુડખરની સંખ્યા 6082 જેટલી નોંધાઈ હતી. બે દિવસ ચાલનારી આ ગણતરીમાં ચાલુ વર્ષે ઘૂડખરની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ પર્યાવરણ પ્રેમીઓ તેમજ પક્ષીવિદ્ દ્વારા સેવાઈ રહી છે.

સામાન્ય રીતે ઘુડખરની ગણતરી સાદી અને જૂની પદ્ધતિથી થતી હતી. પરંતુ ચાલુ વર્ષે સૌપ્રથમ વખત રાજ્યના વન વિભાગ દ્વારા ઘુડખરની ગણતરીમાં આધુનિક ઉપકરણો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં 362 પોઇન્ટ પર ડ્રોન કેમેરા તેમજ GPS સિસ્ટમ અને E GUJ FOREST એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમજ ઘૂડખરની ગણતરી કરવામાં સરળતા રહે તે માટે ડ્રોન કેમેરા તેમજ GPS સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા ગણતરીમાં જોડાનારા લોકો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. બે દિવસ ચાલનારી ઘુડખરની ગણતરીમાં વન વિભાગના 800 કર્મચારીઓ તેમજ સ્વૈચ્છીક સંસ્થા અને ગ્રામજનો સહિત 1700 મળી અંદાજે 2500થી વધુ લોકો જોડાશે.