રાવણને છેતરી દેવોએ શિવલિંગ જમીન પર મૂકાવ્યું, શિવલિંગ કોટિ થતાં જ બન્યાં ‘કોટેશ્વર મહાદેવ’

વિવેક ચુડાસમા, અમદાવાદઃ શ્રાવણ મહિનાના સાતમા દિવસે શિવાલય યાત્રા પહોંચી ગઈ છે પાકિસ્તાન બોર્ડરે એટલે કે કચ્છ જિલ્લામાં. ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં કોટેશ્વર ગામ આવેલું છે અને અહીં જ મહાદેવ કોટેશ્વર નામથી વસ્યાં છે.

શું છે પૌરાણિક કથા?
આ મંદિર અતિપૌરાણિક છે. લંકાપતિ રાવણથી આ મંદિરની કથા શરૂ થાય છે. રાવણે કૈલાશ પર્વત પર ભગવાન શિવની આકરી તપશ્ચર્યા કરી હતી. ભોળાનાથ પ્રસન્ન થતા તેણે વરદાન માગ્યુ કે, ‘હું તમારી ભક્તિ હંમેશા કરતો રહું તે માટે શિવલિંગ આપો.’ ભગવાન શિવે શિવલિંગ આપતી વખતે રાવણને કહ્યુ હતુ કે, ‘તું શિવલિંગ લંકા લઈ જતી વખતે વચ્ચે ક્યાંય જમીન પર મૂક્યું તો હું ત્યાં જ સ્થાપિત થઈ જઈશ અને પછી ત્યાંથી તું મને ઉપાડી શકીશ નહીં.’ રાવણ શિવલિંગ લઈને નીકળ્યો. ત્યારે દેવોએ શિવલિંગ પડાવી લેવા માટે કપટ કર્યું હતું.

આ કપટમાં બ્રહ્માજીએ એક ગાયનું રૂપ લીધું અને એક કીચડવાળા ખાડામાં પડ્યા. ગાયને બહાર કાઢવા માટે દેવે તપસ્વીનું રૂપ ધર્યું. રાવણ આકાશ માર્ગે શિવલિંગ લઈ લંકા જઈ રહ્યો હતો. તેણે જોયું કે, ખાડામાં પડેલી ગાય તપસ્વીથી બહાર નીકળતી નથી. તપસ્વીએ રાવણની મદદ માગી. રાવણે ગાયને બચાવવાના ઉત્સાહમાં શિવલિંગ જમીન પર મૂકી દીધું. ગાય બહાર નીકળી ગયા પછી રાવણે જોયું તો તેનું શિવલિંગ કોટી બની ગયું હતું. પછી રાવણે આ જગ્યાએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા શિવલિંગની પૂજા કરી અને તે સ્થાન ‘કોટેશ્વર મહાદેવ’ના નામે પ્રચલિત બની ગયું.

ચીની યાત્રાળુએ મંદિર શોધ્યું હોવાની માન્યતા
કોટેશ્વર એક સમયે બંદર હતું. વર્ષો પહેલાં ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગે આ મંદિર શોધ્યું હતું એમ મનાય છે. એ વખતે આ સ્થળે શૈવમંદિર અને પાશુપત સાધુઓ હોવાનું હ્યુ-એન-ત્સાંગના વર્ણન પરથી જાણવા મળે છે. આ બંદરની પ્રાચીન મહત્તા નાશ પામી છે. ગામથી કોટેશ્વરનું મંદિર એક માઈલ છેટે ટેકરા ઉપર આવેલું છે. દરવાજા ઉપરના એક લેખ મુજબ હાલનું મંદિર સંવત 1877માં બંધાયું હોવાનો ઉલ્લેખ છે. આ સ્થળનું પ્રાચીન મંદિર તદ્દન નાશ પામ્યું છે અને એની કશી નિશાનીઓ જળવાઈ નથી.

અત્યારે કોટેશ્વર અને નીલકંઠ બે શૈવમંદિરો ફકત છે, પણ નારાયણ સરોવર પણ એક કાળે કાનફટા બાવાઓના હાથમાં હતું એ જોતાં કોટેશ્વર જૂના કાળમાં મોટું તીર્થ હશે અને એ મંદિરના પાશુપત આચાર્યોનું જોર હશે એમ લાગે છે. કોટેશ્વર મંદિર નજીક સમુદ્રના કાંઠે આજે પણ તૂટેલા મંદિરના અવશેષો વિખેરાયેલા જોવા મળે છે.

કેવી રીતે પહોંચી શકાય?
કોટેશ્વર ભૂજથી 125 કિમી દૂર આવેલું છે અને અન્ય હિંદુ ધાર્મિક સ્થાન નારાયણ સરોવર માત્ર 4 કિમી દૂર છે. કોટેશ્વર રોડથી જિલ્લા મથક ભુજ સાથે જોડાયેલું છે. ભુજથી બસ દ્વારા અને નારાયણ સરોવરથી ચાલીને પણ જઈ શકાય છે. રેલ માર્ગે આવવું હોય તો ભૂજ રેલવે સ્ટેશન ઉતરવું પડે અને ત્યાંથી સહેલાઈથી કોટેશ્વર જવા માટે ટેક્સી, ખાનગી બસ અને સરકારી બસની સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય હવાઈ માર્ગની વાત કરીએ તો, ભુજ એરપોર્ટ પર ઉતરવું પડે અને ત્યાંથી કોટેશ્વર જવા માટે ટેક્સી કે સરકારી બસ મળી રહે છે.