Gandhidhamના ઓસ્લો ઓવરબ્રિજને ખુલ્લો મૂકવા કોંગ્રેસી કાર્યકરોના પ્રતિક ઉપવાસ

નીતિન ગરવા, ભૂજઃ ગાંધીધામમાં ઓસ્લો ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા છતાં બ્રિજ ખુલ્લું ન મૂકાતા લોકો અચરજમાં મૂકાયા છે. આજે કોંગ્રેસી નેતાઓ બ્રિજ ખુલ્લું કરવાની માગ સાથે ઓસ્લો બ્રિજ પાસે પ્રતિક ઉપવાસ બેઠા હતા.
ઓસ્લો ઓવરબ્રિજનું કામ કોન્ટ્રાકટરને એક વર્ષમાં પૂર્ણ કરવાનું હતું. ત્યારબાદ કોન્ટ્રાકટરને 4 મહિના એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેમ છતાં હજુય સુધી કામ પૂર્ણ કર્યું નથી, માત્ર લોડ ટેસ્ટિંગની કામગીરી બાકી છે. તેવું કહી બ્રિજ ખૂલ્લો કરવાની તારીખો ઠેલવાઈ રહી છે. જેના પરિણામે લોકોને રોજેરોજ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ ખુલ્લો કરવા માટેની અનેકો રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડઃ TPO સહિત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ચાલુ મિટિંગમાં અટકાયત
ગાંધીધામ નગરપાલિકાના વિપક્ષી નેતા સમીપ જોશીએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરને બચાવવા માટે આર એન્ડ બી વિભાગના અધિકારીઓ તાગડધિન્ના કરી રહ્યા છે. આચારસંહિતા પૂર્ણ થાય અને નેતાઓ ઉદ્ધઘાટનના ફોટો પડાવી શકે તે માટે લોડ ટેસ્ટિંગના નામે કોન્ટ્રાકટર દ્વારા કામ લંબાવવામાં આવી રહ્યું છે. જો તાત્કાલિક કામગીરી પૂર્ણ કરી ઓસ્લો ઓવરબ્રિજને ખુલ્લો કરવામાં નહીં આવે તો કોંગ્રેસી કાર્યકરો બ્રિજનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ સ્થાનિક પોલીસે ઓસ્લો ઓવરબ્રિજ નીચે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોને લોડ ટેસ્ટિંગ થયું નથી તેવું કહી ડિટેઇન કર્યા હતા.