September 21, 2024

કચ્છમાં ડિપ ડિપ્રેશનની અસર, ગઈકાલ રાતથી ભારે પવન સાથે વરસાદ

કચ્છઃ ભૂજ ફાયર ટીમે સરપટ ગેટ રોડ પરના વાવ ફળીયામાં વરસાદી પાણી ભરાતા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ફાયર વિભાગે 78 વર્ષીય વ્યક્તિનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્યા છે.

કચ્છ પર ડિપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે. ડિપ્રેશનની અસર હેઠળ કચ્છમાં ગઈકાલ રાતથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છના અનેક તાલુકાઓમાં ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. તો બીજી તરફ, નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. કુદરતી આફત સામે પહોંચી વળવા કચ્છનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા અધિકારીઓને હેડક્વાટર્સ ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ કચ્છમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અબડાસા, લખપત, નખત્રાણા, માંડવી તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અબડાસામાં 11 ઇંચ વરસાદ, લખપતમાં 9 ઇંચ વરસાદ, નખત્રાણામાં 8 ઇંચ વરસાદ, માંડવીમાં 7.5 ઇંચ વરસાદ, અંજારમાં 5 ઇંચ, મુન્દ્રામાં 4, ભુજમાં 4.5 ઇંચ વરસાદ, ગાંધીધામમાં 3 ઇંચ તથા રાપર-ભચાઉમાં 1થી 1.5 વરસાદ વરસ્યો છે.