December 18, 2024

ટેક્સટાઇલ પોલિસીની જેમ ડાયમંડ ઉદ્યોગ માટે પોલીસી જાહેર કરવાની માગ, કુમાર કાનાણીએ લખ્યો પત્ર

Surat: દેશના ટેક્સ્ટાઈલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ધરાવતા અગ્રણી ગુજરાતની ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતી અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. જે બાદ હવે બીજેપીના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ ટેક્સટાઇલ પોલિસી જાહેર થયા બાદ હવે ડાયમંડ ઉદ્યોગ માટે પોલીસી જાહેર કરવાની માંગ કરી છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આગામી 5 વર્ષ માટે ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જે બાદ હવે કુમાર કાનાણીએ ડાયમંડ ઉદ્યોગ માટે પોલિસી જાહેર કરવાની માગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું કે ડાયમંડ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીમાં છે. ટેક્સટાઇલ ઉદ્યોગ પછી ગુજરાતમાં રોજગારી આપતો ઉદ્યોગ ડાયમંડ ઉદ્યોગ છે. હાલ ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, ઘણા ડાયમંડ ના યુનિટો બંધ થઈ ગયા છે.

આ સિવાય કુમાર કાનાણીએ વધુમાં કહ્યું કે રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. બાળકોની ફી તેમ જ કુટુંબનું ભરણપોષણ ન કરી શકવાના કારણે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવે છે. મૃતપાયે પડી રહેલા ડાયમંડ ઉદ્યોગ માટે ડાયમંડ પોલીસીથી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: દિલ્હી-NCR સહિત 7 રાજ્યોમાં વધવા લાગી ઠંડી, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી

ઉલ્લેખનીય છે કે ગઈકાલે દેશના ટેક્સ્ટાઈલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ધરાવતા અગ્રણી ગુજરાતની ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતી અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ટેક્સ્ટાઈલ પોલિસી હેઠળ 10થી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી ઉપરાંત પાવર સબસિડી સહિતના લાભો માટે 5592 જેટલા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ માટે રૂ. 1107 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું.