February 5, 2025

લિફ્ટ ના આપી તો હત્યા કરી નાંખી, 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા

મિહિર સોની, અમદાવાદમાં લિફ્ટ ના આપતા કુખ્યાત ગુનેગારોએ હોટલના માલિકને છરીના ઘા ઝીકી હત્યા કરી હતી. આ હુમલામાં હોટલમાં કામ કરતો કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયો હતો. કૃષ્ણનગર પોલીસે હત્યા કેસમાં 3 આરોપીની કરી ધરપકડ છે. કોણ છે આ કુખ્યાત ગુનેગાર આવો જાણીએ.

આ પણ વાંચો: રતન ટાટાના ખાસ મિત્ર’ શાંતનુ નાયડુને મળી આ મોટી જવાબદારી

દોઢ લાખ રૂપિયાની લૂંટ
આરોપી જયેશ ઉર્ફે કાળુ ચૌહાણ, સાગર ઉર્ફે ભોલો જાદવ અને દિપક રાજબરની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને હાઇવે સુધી લિફ્ટ ના આપતા હોટલના માલિક રાજેન્દ્રસિંગ ઉર્ફે શંકરભાઈ રાવની હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગત રાત્રે ઠક્કરનગરમાં આવેલી મધુવન હોટલ નીચે ત્રણેય આરોપીઓ બેઠા હતા. ત્યારે આ હોટલમાં નોકરી કરતો ભરત ઉર્ફે ભુરો ખિમસૂરિયા હોટલના માલિક રાજેન્દ્રસિંગને બાઈક પર ઓઢવ ઘરે મુકવા જઈ રહ્યો હતો. ત્યારે આ ત્રણેય આરોપીએ ભરતને હાઇવે સુધી મૂકી જવાનું કહ્યું હતું. પરંતુ માલિકને મુકવા જવાનું હોવાથી ભરતે લિફ્ટ આપવાની ના પાડી હતી. માલિકને ઘરે મૂકીને આવ્યા બાદ લઈ જવાનું કહ્યું હતું. જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને છરીથી બંન્ને પર હુમલો કર્યો હતો. જેમાં ભરત ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે હોટલના માલિક રાજેન્દ્રસિંગનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ આરોપીઓ દોઢ લાખ રૂપિયાની પણ લૂંટ કરી હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે.