September 12, 2024

કોલકાતા રેપ કેસ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો – ગળું દબાવવાથી અથવા ગૂંગળામણથી મોત

કોલકાતાઃ શહેરની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, હાથથી ગળું દબાવવાથી અથવા ગૂંગળામણને કારણે ડોક્ટરનું મોત નીપજ્યું હોવાનો ખુલાસો થયો છે. 9 ઓગસ્ટના ઑટોપ્સી રિપોર્ટમાં જણાવાયું હતું કે, ડૉક્ટરના શરીર પર 16 બાહ્ય અને 9 આંતરિક ઈજાઓ છે.

રિપોર્ટમાં બળાત્કારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. 16 બાહ્ય ઇજાઓમાં ચહેરા, હોઠ, નાક, ગળા, હાથ અને ઘૂંટણ પર ઉઝરડાં અને પ્રાઇવેટ પાર્ટ પર ઇજાઓ જોવા મળી હતી. જ્યારે નવ ઘા આંતરિક ઇજાઓમાં નોંધાયા હતા. જેમાં ખોપરી, ગરદન અને શરીરના અન્ય ભાગોના સ્નાયુઓને થયેલી ઇજાઓનો સમાવેશ થાય છે.

સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે
મહિલા ડોક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટના રોજ આરજી કર હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી મળ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ આ કેસ કોલકાતા પોલીસ પાસેથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવ્યો હતો. કલકત્તા હાઈકોર્ટે આ માટે આદેશ કર્યો હતો.