December 28, 2024

કોલકાતા દુષ્કર્મ હત્યા કેસમાં 22 ઓગસ્ટે થશે સુનાવણી, CBIને સ્ટેટસ રિપોર્ટ આપવા આદેશ

Kolkata Doctor Rape Murder Case: કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા મામલે સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને આ મામલે આજે સુનાવણી કરી હતી. જેમાં નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવાના આદેશની સાથે સાથે મમતા સરકારને પણ ફટકાર લગાવવામાં આવી. આ મામલે હવે આગામી 22 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આજે સુપ્રીમ કોર્ટે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા મામલે મમતા સરકારને ફટકાર લગાવી હતી. CJIની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા કપિલ સિબ્બલને સવાલો કર્યા હતા. કોર્ટે કડક શબ્દોમાં પૂછ્યું હતું કે રાત્રે 8 વાગ્યે મૃતદેહ માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો અને પછી 11.45 વાગ્યે કેસ કેમ નોંધવામાં આવ્યો? કોર્ટે વધુમાં પૂછ્યું કે શું શરૂઆતમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો ન હતો? તે સમયે કોલેજના પ્રિન્સિપાલ શું કરતા હતા? તેણે પગલાં કેમ ન લીધા? આશ્ચર્યની વાત એ છે કે સિબ્બલ પાસે પણ મોટાભાગના પ્રશ્નોના જવાબ નહોતા. કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે જેનો વચગાળાનો રિપોર્ટ ત્રણ અઠવાડિયામાં સબમિટ કરવાનો રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે CBIને 22 ઓગસ્ટે સ્ટેટસ રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. આ કેસને લઈને હવે 22 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે ટાસ્ક ફોર્સને ડેડલાઇન આપી છે. CJIના નેતૃત્વમાં જાહેર કરાયેલા નિર્દેશો અનુસાર, ટાસ્ક ફોર્સે ત્રણ સપ્તાહની અંદર વચગાળાનો રિપોર્ટ આપવો પડશે. ત્યાર બાદ બે મહિનામાં ફાઇનલ રિપોર્ટ આપવાનો રહેશે. CJIએ કહ્યું કે રાજ્ય સરકાર એટલે કે મમતા સરકારે પણ હોસ્પિટલમાં તોડફોડ અંગે સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવો પડશે. આ મામલે આગામી સુનાવણી 22મી ઓગસ્ટ એટલે કે ગુરુવારે થશે. ઉલ્લેખનીય છે કે CBIએ પણ તે જ દિવસે પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કોઈ એક મામલો નથી પરંતુ દેશભરના ડોકટરો અને નર્સોની સુરક્ષાનો મુદ્દો છે.