December 26, 2024

ખેડૂતો કાલે દિલ્હી તરફ કૂચ નહીં કરે, SCમાં અરજી નામંજૂર

Kisan Andolan: શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતો મંગળવારે દિલ્હી તરફ કૂચ નહીં કરે. ખેડૂત આગેવાન સર્વનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે આવતીકાલે આંદોલનને લઈને રણનીતિ બનાવવામાં આવશે. નોંધનીય છે કે, શુક્રવાર અને રવિવારે ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને વખત હરિયાણા પોલીસે તેમને રોક્યા.

સોમવારે સુપ્રીમ કોર્ટે આ કેસ સાથે જોડાયેલી અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ મનમોહનની બેન્ચે કહ્યું કે આ મામલો પહેલેથી જ વિચારણા હેઠળ છે. એક જ મુદ્દા પર વારંવારની અરજીઓ પર વિચાર કરી શકાય નહીં. અરજીમાં કેન્દ્ર અને અન્ય સત્તાવાળાઓને પંજાબના તે હાઈવે પરથી નાકાબંધી દૂર કરવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી હતી.

આ સાથે બેન્ચે અરજદાર ગૌરવ લુથરાને વારંવાર અરજી ન કરવા જણાવ્યું હતું. કોર્ટે પેન્ડિંગ કેસ સાથે પિટિશનને ક્લબ કરવાની લુથરાની વિનંતીને પણ ફગાવી દીધી હતી. સર્વન સિંહ પંઢેર આજે ખનેરી બોર્ડર જઈને જગજીત દલ્લેવાલના ખબરઅંતર પૂછશે. ડીઆઈજી મનદીપ સિંહ સિદ્ધુ પણ ખનેરી જઈ રહ્યા છે. દલ્લેવાલના સ્વાસ્થ્ય અંગે ચર્ચા થશે.