September 19, 2024

વૈભવી કાર સાથે રિલ બનાવી તો થઈ ગયું અપહરણ, ગ્રામ્ય LCBએ કરી 3ની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં એક યુવકને રિલ્સ બનાવવી ભારે પડી. લક્ઝુરિયસ ગાડી સાથેની રિલ્સ જોઈને યુવકનું અપહરણ કરીને લાખો રૂપિયાની ખંડણીનું ષડયંત્ર રચવામાં આવ્યું. પરંતુ નશાના ઇન્જેક્શનથી અપહરણ કરેલ યુવક બેભાન ન થતા આરોપીઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ગ્રામ્ય LCB અને સાણંદ GIDC પોલીસે 3 અપહરણકર્તાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપી ભરત ચુડાસમા, સુમિત જાટવ અને વિકાસદીપસિગ ધાલિવાલેની અપહરણ અને લૂંટ કેસમા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 20 લાખ રૂપિયાની ખંડણીની ઉઘરાણી કરવા એક યુવકનું અપહરણ કર્યું હતું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સાણંદ GIDCમાં આવેલ લીલાપુર ગામમાં રહેતા યુવક યુવરાજસિંહ સોલંકી નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. યુવક યુવરાજસિંહ લીલાપુર ગામ નજીક મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો.

ત્યારે, આરોપીએ લિફ્ટ માગવા તેની સ્કોર્પિયો ગાડી રોકી હતી અને ત્યારે બાદ યુવરાજસિંહનું અપહરણ કરીને તેને નળ સરોવરના અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેને બેભાન થવા માટે નશા યુક્ત ઇન્જેક્શન આપ્યું હતું. પરંતુ આ ઇન્જેક્શન નસની જગ્યાએ મશલમાં આપતા યુવરાજસિંહ બેભાન થયો ન હતો. જેથી અપહરણ કરતાઓ તેને બંધક બનાવવા માટે લૂંગી અને સેલોટેપ મગાવી હતી. અને આ લૂંગીથી હાથ પગ બાંધી દીધા હતા અને મોઢા પર સેલોટેપ લગાવી દીધી હતી. ત્યારબાદ પણ કલોકો સુધી યુવરાજસિંહ બેભાનના થતા રૂપિયા 50 હજારની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જે બાદ બંધક બનાવેલ યુવરાજસિંહના પરિવારજનોએ શોધખોળ કરતા યુવરાજ નળસરોવર રોડ પર આવેલ અણીયાળી ગામ પાસે બંધક અવસ્થામાં પોતાની ગાડીમાં જ મળી આવ્યો હતો. સાણંદ જીઆઇડીસી પોલીસે અપહરણ અને લૂંટ નો ગુનો નોંધી 3 આરોપી ધરપકડ કરી.

પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે યુવરાજસિંહનાં ગામમાં રહેતો આરોપી ભરત ચુડાસમાની ચાની દુકાન છે. આ ચાની દુકાનમાં અન્ય આરોપી સુમિત જાટવ સાણંદ જીઆઇડીસી નોકરી કરતો હોવાથી અવારનવાર આવતો હતો. બન્ને આર્થિક સંકળામણના કારણે અપહરણ અને ખંડણી માટેનું ષડયંત્ર રચ્યું હતું. જેમાં આરોપી સુમિત એ પોતાના પરિચિત રાજસ્થાનથી આરોપી રણજીત અને વિકાસ દીપસિંહને અપહરણ કરવા અમદાવાદ બોલાવ્યો હતો. આ દરમિયાન યુવરાજસિંહની ગાડીઓ સાથેની રિલ્સ જોઈને પૈસાદાર હોવાનું અનુમાન લગાવી તેનું અપહરણ નો પ્લાન ઘડ્યો હતો.

આ રિલ્સ આરોપી ભરતે જોતા યુવરાજ ને ઓળખી ગયો હતો અને યુવરાજના પિતા રેલવે અને GEBના મોટા કોન્ટ્રાક્ટર છે જેથી તેના દીકરાનું અપહરણ કરી ખંડણી માગવાનું નક્કી કર્યું હતું. જેથી અરોપી 10 દિવસથી યુવરાજની રેકી કરી હતી. આ દરમિયાન અમદાવાદની હોટલમાં આરોપીઓ રોકાયા હતા. જે બાદ અપહરણને અંજામ આપ્યો હતો અને રૂપિયા 20 લાખની ખંડણીની માગણી કરે તે પહેલા જ તેમનો પ્લાન નિષ્ફળ બનતા તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવરાજને બેભાન કરવાં માટે આરોપીઓ રાજસ્થાનથી નશાયુવક ઇન્જેક્શન લઈને આવ્યા હતા.

આ અપહરણ કેસમા ગ્રામ્ય LCBએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને સાણંદ જીઆઇડીસી પોલીસને સોંપ્યા છે. લક્ઝ્યુરિયસ કારમાં ફરવું અને સોશિયલ મીડીયા પર રીલ્સ બનાવવી યુવરાજ માટે ઘાતક સાબિત થઈ હતી. પોલીસે આ પ્રકારે સોશિયલ મીડિયામાં પોતાની અંગત માહિતી રજૂ નહિ કરવાની લોકોને અપીલ કરી છે. આ કેસમાં હજુ રાજસ્થાનનો રણજીત નામનો આરોપી વોન્ટેડ હોવથી પોલીસે શોધખોળ શરૂ કરી છે.