December 26, 2024

વડતાલમાં ઝડપાયેલા ખાતર કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપી ઝડપ્યો

KHEDA - NEWSCAPITAL

ખેડાઃ વડતાલ પોલીસે થોડા સમય અગાઉ વલેટવા ચોકડી નજીક આવેલ એક ગોડાઉનમાંથી સબસીડીવાળા રાસાયણિક ખાતર ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે યુરિયા ખાતરની 250 નંગ થેલી તથા પાવડર ભરેલ થેલીઓ સહિત રૂ.66,633નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઘટનામાં પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે મરીડા ગ્રામ પંચાયતના સભ્ય વિપુલ ચૌહાણને ઝડપી પાડ્યો છે.

યુરિયા ખાતરની 250 થેલી મળી આવી હતી
વડતાલ પોલીસે મળેલ બાતમી આધારે ગત 21 જાન્યુઆરીના રોજ વલેટવા ચોકડીથી શ્રીજીપુરા જવાના રોડ પર સ્થિત સંકલ્પ ગોડાઉનમાં દરોડા પાડી તપાસ હાથ ધરતા યુરિયા ખાતરની 250 થેલી, ખાતરનો પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓ નંગ 21 તથા ખાલી થેલીઓ નંગ 1,135 તેમજ અન્ય ખાતરની થેલીઓ મળી આવી હતી. પોલીસે ગોડાઉન પર હાજર ઈસમ પાસે ખાતરના જરૂરી આધાર પુરાવા માંગતા સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસે વધુ પૂછપરછ કરતા ત્યાં હાજર સલમાન મન્સૂરીએ કહ્યું હતું કે, આ ખાતર સલુણમાં સહકારી મંડળી ચલાવતો વિપુલ ચૌહાણ આપી જતો હતો, તેને યુરિયા ખાતર ભરેલ થેલીના રૂ. 305 જ્યારે લાલ કણવાળા ખાતર ભરેલ થેલીના રૂ. 290 ચૂકવાતો હતો.

આ પણ વાંચો : મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કમાં કરોડોની છેતરપિંડી

રીપેકિંગ કરી ઊંચા ભાવે હર્ષિલ પટેલ અન્ય કંપનીમાં મોકલતો
આ રાસાયણિક ખાતરની થેલીઓ ભેગી કરી રીપેકિંગ કરી ઊંચા ભાવે હર્ષિલ પટેલ નામનો ઇસમ ચિખલી ખાતે આવેલ કંપનીમાં મોકલતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. જે બાદ વડતાલ પોલીસે સલમાન સલીમ મન્સૂરી, વિપુલ ચૌહાણ તેમજ હર્ષિલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે સલમાન સલીમ મન્સૂરી અને વિપુલ ચૌહાણનીઓ ધરપકડ કરી છે.