CM ભૂપેન્દ્ર પટેલનો અધિકારીઓને ટોણો, કહ્યુ – કીટલીઓ ગરમ છે એ શાંત થવી જ જોઈએ
નડિયાદઃ છેલ્લા બે દિવસથી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અધિકારીઓની કેટલીક હરકતોથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, છેલ્લા બે દિવસમાં યોજાયેલા બે જાહેર સંબોધનમાં તેમણે અધિકારીઓને ટોણો માર્યો હતો. ગઈકાલે ગાંધીનગર મનપાના કાર્યક્રમમાં અધિકારીઓને પાનની પિચકારી બાબતે ટોક્યા હતા. ત્યારે આજે ગુજરાતી કહેવત કહીને અધિકારીઓ સામે વ્યંગ કર્યો હતો.
ખેડાના સારસા ગામે એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી કહેવત કહીને અધિકારીઓ પર જોરદાર વ્યંગ કર્યો છે. ગુજરાતીમાં કહેવત છે કે, ‘ચા કરતાં કિટલી ગરમ’ આ કહેવત કહીને અધિકારીઓનો ટોણો માર્યો હતો અને ચેતવણી આપતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે, ‘મેં અધિકારીઓને કીધું કે આજે અહીંયા જઈએ, તમારા બધા સાથે વાતચીત કરીએ. અહીંયાથી આગળ અમે એક કલેક્ટર ઓફિસ જવાના છીએ… જેમ કીધું કે, કીટલીઓ ગરમ છે એ બધી શાંત થઈ જ જવી જોઈએ.’
ગઈકાલે પાનની પિચકારી મામલે ટોક્યા હતા
આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, લોકો પાન ખાઇ પિચકારી મારે છે તેવી ફરિયાદો પણ આવે છે.પરંતુ આપણે સ્થાનિક લોકોના પ્રશ્નોનું ધ્યાન રાખવું જોઇએ. સરકારી કચેરીઓમાં પાન ખાઇને પિચકારી મારવી તે ખોટું છે. 11 થી 5માં તમાકુ ખાતા અધિકારીઓ ઓફિસ સમયમાં આવી ભૂલો ન કરવી જોઇએ. મીડિયામાંથી આવતી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઇએ. આ એક ફાયદાની વસ્તુ છે. આથી દરેક લોકોને ફાયદો થશે. આમ CMએ એક જ કાર્યક્રમમાં અધિકારીઓને અલગ-અલગ સૂચનાઓ આપી દીધી હતી.