ડાકોરના પદયાત્રિકો માટે ખેડા જિલ્લા પોલીસની સુરક્ષા સાથે સેવા કેમ્પ

યોગીન દરજી, નડિયાદઃ ફાગણી પૂનમને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે અમદાવાદથી પગપાળા યાત્રિકો ડાકોર તરફ જતા જોવા મળી રહ્યા છે. ‘ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે’, ‘જય રણછોડ માખણ ચોર’ જેવા નાદ કરતા કરતા ભાવિકભક્તો ડાકોર તરફ આગળ વધી રહ્યા છે.
ત્યારે આ ભક્તોને રસ્તામાં કોઈ પણ પ્રકારની અગવડ ના પડે અને તેનું ધ્યાન વહીવટી તંત્ર અને સેવાભાવી લોકો દ્વારા રાખવામાં આવી રહ્યું છે. ડાકોર તરફના રૂટ પર વિવિધ સેવાભાવી કેમ્પ શરૂ થઈ ગયા છે. જેમાં ચા-નાસ્તાથી લઈને પદયાત્રિકોને થાક ઉતારવા માટે ગરમ પાણીની સેવા પણ આપવામાં આવી રહી છે. ડોક્ટર દ્વારા હરતી ફરતી મેડિકલવાન પણ આ રોડ પર ફરી રહી છે.
જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગની સાથે સાથે યાત્રાળુઓને ઠંડક મળે તે માટે છાશ વિતરણનો કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે. આમ પોલીસ વિભાગ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા સાથે સાથે તેમની સેવાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભક્તિ અને સેવાથી છલકાતા આ ફાગણી પૂનમના ઉત્સવને લઈ ખેડા જિલ્લાનું સમગ્ર વાતાવરણ આ ત્રણ દિવસ સુધી ભક્તિમય માહોલમાં રંગાઈ જશે.