October 25, 2024

ઉત્તરસંડાના મઠિયા-ચોળાફળી સ્વાદ એવો કે દાઢે વળગે! જાણો તેનું રહસ્ય

યોગીન દરજી, નડિયાદઃ દિવાળી આવે એટલે ગુજરાતીઓની થાળીમાં મઠીયા અને ચોળાફળી અવશ્ય જોવા મળે. તેમાંય ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામમાં બનતા તથા મઠિયા અને ચોળાફળી ગુજરાતીઓની પ્રથમ પસંદ છે. આજે દેશ-વિદેશમાં જ્યાં ગુજરાતીઓ વસે છે, ત્યાં ઉત્તરસંડાના મઠીયા અને ચોળાફળીની નિકાસ થઈ રહી છે. આખરે ઉત્તરસંડાના જ મઠીયા અને ચોળાફળી આટલા પ્રખ્યાત કેમ છે? તે જાણવું પણ રસપ્રદ છે.

દિવાળીના તહેવારમાં લોકો મીઠાઈઓની સાથે ચોળાફળી અને મઠીયા ખાવાનું પસંદ કરતા હોય છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આ મઠિયાં અને ચોળાફળી બનતા હોય છે, પરંતુ ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામના મઠિયા ગુજરાતીઓની પ્રથમ પસંદ બની રહ્યા છે. જાણીને નવાઈ લાગશે કે, વિશ્વના જે દેશોમાં ગુજરાતી રહે છે તે દેશોમાંથી ગુજરાતીઓ ઉત્તરસંડાના મઠિયા અને ચોળાફળી મંગાવતા હોય છે. અહીં રહેતા તેમના સ્થાનિક સગા-સંબંધીઓ દર વર્ષે દિવાળીમાં મોટી સંખ્યામાં તેની ખરીદી પણ કરે છે. જેના કારણે નવરાત્રીથી દિવાળી સુધીના દિવસોમાં હજારો ટન મઠિયા-ચોળાફળીનું ઉત્પાદન અને વેચાણ થાય છે. જો કે, આમાંથી ચોળાફળીના વિશેષ સ્વાદ પાછળ આ ગામના પાણીનો મહત્વનો ભાગ હોવાનું માનવામાં આવે છે.

ઉત્તરસંડા ગામમાં મઠિયા અને ચોળાફળીનું ઉત્પાદન કરતી 25 જેટલી કંપનીઓ આવેલી છે. આમ તો આ એક ગૃહ ઉદ્યોગ છે, પરંતુ તહેવારને લઈ આ ગૃહ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં મહિલાઓને રોજગારી મળે છે. જેના કારણે અહીં કામ કરતી મહિલાઓ આખા વર્ષની કમાણી ફક્ત આ મહિનામાં જ કરી લે છે. નવરાત્રીથી દિવાળી સુધીના ફક્ત 20 દિવસમાં જ હજારો ટન ઉત્પાદન અને વેચાણને કારણે અહીંના વ્યવસાયનો આંકડો 300 કરોડને પાર થઈ જતો હોવાનું સ્થાનિક સરપંચ ઈસિત પટેલ જણાવી રહ્યા છે.

દિવાળી આવતા જ ઉત્તરસંડા ગામના વિવિધ કંપનીઓના આઉટલેટ પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. ગ્રાહકો પણ એકસાથે એક કિલોથી લઈ 10 કિલો સુધી મઠીયા, ચોળાફળી, સુવાળી સહિત જુદા જુદા પ્રકારની ચીજ વસ્તુઓ ખરીદતા જોવા મળી રહ્યા છે. એવું નથી કે આ ગ્રાહકો સ્થાનિક હોય કેટલાક આણંદથી તો કેટલાક ખાસ ખેડાથી અહીં ખરીદી કરવા આવી રહ્યા છે. ત્યારે ગ્રાહકોનું પણ શું કહેવું છે તે પણ જાણીએ…

એક સમય હતો જ્યારે ગામમાં ગૃહિણીઓ મઠિયા અને ચોળાફળી હાથ વણાટથી બનાવવાનું કામ કરતી હતી. પરંતુ સમયાંતરે હવે મોટા મશીનો આવી ગયા અને આ વ્યવસાય મશીન ઉપર ચાલતો થઈ ગયો છે. સમય જતા લોકોની માગ પણ વધી છે અને માગ વધવાના કારણે હવે મશીન પર આ વસ્તુઓ બની રહી છે. સમયની સાથે માગમાં વધારો થતા મશીનોનો ઉપયોગ જરૂરી બન્યો છે, પરંતુ સારી બાબત એ છે કે આજે પણ આ ગૃહ ઉદ્યોગ મહિલાઓ માટે આર્થિક સર્ભરતાનું સાધન બની રહ્યો છે.