માતરમાં ભાજપનું મકાન છીનવાયું, પૂર્વ MLAએ મકાનનો કબજો લીધો

ખેડાઃ માતરમાં ભાજપ કાર્યાલયનું મકાન છીનવાયું છે. ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ માતર ભાજપની પાસેથી કાર્યાલય છીનવી લીધું છે. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મકાનનો કબજો લીધો છે.
આગાઉ કેસરીસિંહ સોલંકી ધારાસભ્ય હતા, ત્યારે ભાજપ કાર્યાલય માટે ભાડાકરારથી મકાન લીધું હતું. જો કે, મકાનના મૂળ માલિકનું મૃત્યુ થયા બાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રેશ પટેલે મૂળ માલિકના પુત્ર પાસે પોતાના નામે અલગથી ભાડાકરાર કરાવ્યો હતો.
ચંદ્રેશ પટેલ અને કેસરીસિંહ સોલંકી બંનેના નામે જુદા જુદા ભાડાકરાર થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. બંને જૂથ વચ્ચે ગજગ્રાહના કારણે રૂપિયા 17,000 જેટલું લાઈટ બિલ પણ ન ભરાતાં વીજ કનેક્શન કપાવવાનો ખતરો ઉભો થયો હતો. જો કે, આખરે કેસરીસિંહ સોલંકીએ મકાન પર કબજો મેળવી લેતા માતર ભાજપને હવે સર્કિટ હાઉસમાં બેસવાનો વારો આવ્યો છે.